મુંબઈઃ કોરોનાવાઈરસ રોગચાળાના કેસ અને મરણની સંખ્યા ખૂબ વધી જતાં મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ગઈ 15 એપ્રિલથી 1 મે સુધી માનવ-વાહન અવરજવર, માલસામાનની હેરફેર માટે રાજ્ય સરકારે કડક નિયંત્રણો લાગુ કર્યા છે. તે છતાં રસ્તાઓ પર લોકો અને વાહનોની સંખ્યા વધારે જણાતાં સરકારે નિયંત્રણોનો આજે રાતથી વધારે કડક રીતે અમલ કરવાનું નક્કી કર્યું છે. મહારાષ્ટ્ર સરકારે હજી પણ લોકડાઉન શબ્દો વાપરવાને બદલે નિયંત્રણોનો કડક અમલ થાય એવો જ આગ્રહ રાખ્યો છે. નવા નિયંત્રણોની જાહેરાતને કારણે મુંબઈમાં રસ્તાઓ આજે સવારથી જ સૂમસામ દેખાવા માંડ્યા છે.
નવી કડક ગાઈડલાઈન્સ અનુસાર, આવશ્યક સેવાઓની સરકારી ઓફિસોને બાદ કરતાં અન્ય તમામ સરકારી ઓફિસોમાં માત્ર 15 ટકા કર્મચારીઓની હાજરીને જ પરવાનગી છે. તે ઉપરાંત લગ્નસમારંભો માત્ર એક જ હોલમાં અને બે કલાકમાં જ આટોપી લેવાના રહેશે અને તે વખતે વધુમાં વધુ 25 જણની હાજરીની છૂટ રહેશે. આ નિયમનો ભંગ કરનારને રૂ. 50,000નો દંડ કરાશે. લોકલ ટ્રેનો, મેટ્રો ટ્રેનો, મોનોરેલમાં માત્ર આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા સરકારી કર્મચારીઓ, તબીબી ક્ષેત્રના લોકો, તબીબી સારવાર જરૂરી હોય એવા લોકોને જ સફર કરવા દેવામાં આવશે. ખાનગી બસોમાં માત્ર અડધા ભાગના જ પ્રવાસીઓને બેસાડવાના રહેશે. એક પણ પેસેન્જર ઉભેલો હોવો ન જોઈએ. આદેશનો ભંગ કરનારને રૂ. 10,000નો દંડ કરાશે.