ભારતમાં હવે કોરોનાના ટ્રિપલ મ્યૂટેશન સ્ટ્રેનનો ખતરો

મુંબઈઃ કોરોનાવાઈરસ મહાબીમારીએ એક વર્ષ વીતી ગયું તે છતાં હજી પણ દેશમાં હાહાકાર મચાવવાનું ચાલુ રાખ્યું છે અને તે પણ ગયા વર્ષ કરતાં વધારે ઉગ્ર સ્વરૂપે. આ રોગચાળાનું સંકટ દરરોજ ઘેરું બનતું જાય છે અને દેશના આરોગ્યતંત્ર પર બોજો વધતો જાય છે. એવામાં હવે એવા અહેવાલો છે કે દેશના અમુક ભાગોમાં ‘ટ્રિપલ મ્યૂટેશન સ્ટ્રેન’ ધ્યાનમાં આવ્યો છે. મ્યૂટેશન ત્યારે થાય છે જ્યારે વાઈરસ સ્વરૂપ બદલ્યા કરે છે અને જેટલો એ મ્યૂટેટ થાય છે એટલો એ ફેલાય છે. ભારતમાં ડબલ મ્યૂટેશન સ્ટ્રેનવાળા વાઈરસના કેસોમાં આવું થઈ ચૂક્યું છે.

હવે કોરોનાના એક પ્રકાર B.1.167માં ત્રીજા મ્યૂટેશનની ઓળખ થઈ છે. નિષ્ણાતોનું કહેવું છે કે આને ગંભીરતાથી લેવું પડશે. આ સ્ટ્રેન ભારત માટે નવો પડકાર બની શકે છે. એ બરબાદી લાવે એ પહેલાં જ એને હરાવવો પડશે. ટૂંકમાં, ટ્રિપલ મ્યૂટેશન વેરિએન્ટમાં કોરોનાના ત્રણ સ્ટ્રેન મળ્યા છે. આ ત્રણેય સ્ટ્રેન મળીને એક નવો વેરિએન્ટ બનાવે છે. હાલ આ મ્યૂટેન્ટ મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને દિલ્હીમાં જોવા મળ્યાનો અહેવાલ છે. ભારતમાં કોરોનાના કેસ એકદમ ઝડપથી વધી ગયા એ માટે ડબલ મ્યૂટન્ટ વાઈરસને જવાબદાર ગણાવાયો છે. કોવિડ-19 વાઈરસે ભારતમાં તથા વિશ્વભરમાં અનેક મ્યૂટેશન કર્યા છે.