નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદીએ 15 ઓગસ્ટે આપેલા ભાષણમાં સસ્તી હોમ લોન યોજનાનું એલાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે શહેરોમાં ભાડાનાં ઘરોમાં રહેતા લોકો આ હોમ લોન યોજનાનો લાભ ઉઠાવી શકશે. આ યોજના સપ્ટેમ્બર, 2023માં લોન્ચ થશે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે આ યોજનાના નિયમો અને શરતો પર વિચાર થઈ રહ્યો છે. રોજગારની શોધમાં ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો શહેરો તરફ આવે છે. તેઓ ભાડાનાં ઘરોમાં રહે છે.
કેન્દ્રીય આવાસ અને શહેરી મામલાના મંત્રાલયના સચિવ મનોજ જોશીએ કહ્યું હતું શહેરોમાં પોતાના ઘરની ઇચ્છા રાખતા લોકોને ઓછા વ્યાજદરવાળી હોમ લોનની યોજના સપ્ટેમ્બરમાં લોન્ચ થશે. વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે આ યોજનાથી મધ્યમ ક્લાસના લોકોને મદદ મળશે, જેમની પાસે ઘર નથી. તેમણે કહ્યું હતું કે મિડલ ક્લાસનાં લોકો શહેરોમાં ઘરનું સપનું હવે સાકાર કરી શકશે. અમે જલદી એક યોજના શરૂ કરીશું.
લાલ કિલ્લા પરથી વડા પ્રધાને કહ્યું હતું કે અમે ઓછા વ્યાજદરે હોમ લોન આપીને ભાડાનાં ઘરોમાં રહેતા લોકોની મદદ કરવાની યોજના તૈયાર કરી છે. એનાથી તેમને લાખો રૂપિયાની મદદ મળશે. ગયા વર્ષે મે મહિનામાં હોમ લોન પરના વ્યાજદર બહુ વધી ગયા હતા. RBIએ મોંઘવારી દરને કાબૂમાં કરવા માટે વ્યાજદર વધારવા શરૂ કર્યા હતા. જેથી હોમ લોન લેનારા લોકો પર EMIનો બોજ વધી ગયો હતો.