હૈદરાબાદઃ તેલંગણા વિધાનસભા ચૂંટણી માટે 30 નવેમ્બરના ગુરુવારે એક જ ચરણમાં મતદાન યોજાવાનું છે. એ માટે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર જોરશોરમાં ચાલી રહ્યો છે. અમુક પક્ષોના નેતાઓ એકબીજાની આકરી ટીકા કરતા અચકાતા નથી. વડા પ્રધાન અને ભાજપાના ટોચના નેતા નરેન્દ્ર મોદી અને AIMIM પાર્ટીના વડા અસદુદ્દીન ઓવૈસી વચ્ચે મૈત્રી છે એવી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કરેલી ટિપ્પણીનો ઓવૈસીએ વળતો જવાબ આપ્યો છે. એમણે કહ્યું છે, ‘રાહુલજી તમે 50 વર્ષના થયા. એકલું લાગતું હશે. કોઈક સાથી શોધી લો.’
આંધ્ર પ્રદેશથી છૂટા થઈને તેલંગણ અલગ રાજ્ય બન્યું ત્યારથી અહીં કે. ચંદ્રશેખર રાવનું રાજકીય વર્ચસ્વ છે. આ વખતની ચૂંટણીમાં એમની ભારત રાષ્ટ્ર સમિતિને હરાવીને સત્તા કબજે કરવા કોંગ્રેસ કૃતનિશ્ચયી છે. રાહુલ ગાંધી અને એમના બહેન પ્રિયંકા ગાંધી આ માટે પક્ષનો જોરદાર પ્રચાર કરી રહ્યાં છે. કેન્દ્રની શાસક ભારતીય જનતા પાર્ટી પણ તેલંગણામાં રાજ મેળવવા પ્રયત્નશીલ છે. આમ, ચારેય મુખ્ય પાર્ટી એકબીજાની કટ્ટર હરીફ બની છે.
ગઈ 25 નવેમ્બરે એક જાહેર સભામાં રાહુલ ગાંધીએ એવું કહ્યું હતું કે, ‘AIMIM અને બીઆરએસ, આ બેઉ ભાજપાના મિત્રપક્ષો છે. મોદીજીના બે યાર છે – ઓવૈસી અને કે.સી.આર.’ એમની તે ટિપ્પણીનો ઓવૈસીએ આજે જવાબ આપ્યો છે. એમણે વધુમાં કહ્યું, ‘અમે કોઈને ત્રાસ દેતા નથી, પણ જો કોઈ અમને ત્રાસ દે તો અમે એમને છોડતા નથી.’ 119-બેઠકો ધરાવતી તેલંગણા વિધાનસભાની ચૂંટણીમાં મતગણતરી હાથ ધરવા અને પરિણામની જાહેરાત માટે 3 ડિસેમ્બરનો દિવસ નિર્ધારિત કરાયો છે. આ રાજ્યની સાથે અન્ય ચાર રાજ્ય – મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને મણીપુરમાં પણ વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર કરાશે.