CAAના નિયમ માર્ચ, 2024 સુધી બનાવી દેવાશેઃ કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજયકુમાર મિશ્રાએ રવિવારે પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના ઠાકુરનગરમાં દલિત મતુઆ સમાજના ઉત્સવમાં ભાગ લેવા દરમ્યાન કહ્યું હતું કે કેન્દ્ર દ્વારા સિટિઝનશિપ એમેડમેન્ટ એક્ટ (CAA)ના નિયમો 30 માર્ચ, 2024 સુધી તૈયાર કરી લેવામાં આવશે. જોકે તૃણમૂલ કોંગ્રેસે એને લોકસભાની-2024ની ચૂંટણી લક્ષી નિવેદન ગણાવ્યું હતું.

તેમણે મતુઆના વાર્ષિક રાસ ઉત્સવમાં કહ્યું હતું કે હું તમને વિશ્વાસ આપું છે કે મતુઆ સમાજના સભ્યો તેમની નાગરિકતા નહીં ગુમાવે. તેઓ બધા સુરક્ષિત છે. મારી પાસે તાજી માહિતી છે કે માર્ચ, 2024 સુધી CAAના નિયમો તૈયાર કરી લેવામાં આવશે.

કેન્દ્રએ પહેલાં કહ્યું હતું કે કેન્દ્ર CAA માટેના કાયદા બનાવવાની પ્રક્રિયા કરી લેશે. ઠાકુરનગરમાં 2021ની વિધાનસભાની ચૂંટણી દરમ્યાન ગૃહપ્રધાન અમિત શાહે ઘોષણા કરી હતી કે દેશમાં કોવિડના રસીકરણ પછી કેન્દ્ર CAA લાગુ કરશે. જોકે ભાજપે આ મુદ્દે ત્યારથી અત્યાર સુધી કાંઈ કહ્યું નથી.

2020માં સંસદમાં પસાર કરેલા CAA 2015થી પહેલાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બંગલાદેશથી ભારતમાં પ્રવેશ કરેલા બિન મુસલમાનોને નાગરિકતા આપે છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC)નું કહેવું છે કે CAA ગેરબંધારણીય છે, કેમ કે આ એક ધર્મનિરપેક્ષ દેશમાં નાગરિકતા ધર્મને જોડે છે. મતુઆ દલિત નામશૂદ્ર સમાજનો હિસ્સો છે, જે ધાર્મિક ઉત્પીડનથી બચવા માટે 1947માં ભારતના વિભાજન અને 1971ના બંગલાદેશના યુદ્ધ દરમ્યાન પૂર્વ પાકિસ્તાનથી વિસ્થાપિત થયા હતા.