લોન મોરેટોરિયમ મામલોઃ રૂ. બે કરોડ સુધીની લોન પર ચક્રવૃદ્ધિ વ્યાજ માફ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે લોનધારકોને મોટી રાહત આપી છે. સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને કહ્યું છે કે MSME લોન, એજ્યુકેશન લોન, હોમ લોન, કન્ઝ્યુમર લોન, પર્સનલ લોન અને ઓટો લોન પર લાગુ ચક્રવૃદ્ધિ વ્યાજને માફ કરવામાં આવશે. આ સિવાય ક્રેડિટ કાર્ડ પર બાકી રકમ પર વ્યાજ વસૂલવામાં નહીં આવે. કેન્દ્ર સરકારે સોગંદનામામાં કહ્યું છે કે કોરોના રોગચાળાની સ્થિતિમાં વ્યાજની છૂટનો ભાર સરકાર ઉઠાવશે- આ જ માત્ર સમાધાન છે. જોકે કેન્દ્ર સરકારે કહ્યું હતું કે ઉપયુક્ત અનુદાન માટે સંસદથી મંજૂરી લેવામાં આવશે.

વ્યાજ માફ નહીં કરવાના વલણમાં ફેરફાર

કેન્દ્રની પેનલની ભલમણો પછી વ્યાજ માફ નહીં કરવાના વલણમાં ફેરફાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકારે ઉધારકર્તાઓ (લોનધારકો)ની મદદ કરવાના નિર્દેશ પછી Ex CAG રાજીવ મહર્ષિની અધ્યક્ષતામાં એક પેનલની રચના કરી હતી. કેન્દ્ર સરકારે કોર્ટમાં પહેલાં કહ્યું હતું કે એ વ્યાજ માફ નથી કરી શકતી, કેમ કે એ બેન્કોને અસર કરશએ. હવે આ મામલે આગામી સુનાવણી પાંચ ઓક્ટોબરે થશે.

કોર્ટે મામલાને વારંવાર ટાળવાને મુદ્દે નારાજગી દર્શાવી

આ પહેલાંની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કહ્યું હતું કે એ વિવિધ ક્ષેત્રો માટે નક્કર યોજના લઈને કોર્ટ આવે. કોર્ટે મામલાને વારંવાર ટાળવાને મુદ્દે નારાજગી જાહેર કરી હતી. કોર્ટે 31 ઓગસ્ટ સુધી NPA ના થયેલા લોન ડિફોલ્ટરોને NPA જાહેર નહીં કરવાનો પણ વચગાળાનો આદેશ જારી રાખવાનો નિર્દેશ આપ્યો હતો. વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા મામલાની સુનાવણી જસ્ટિસ અશોક ભૂષણ, આર. સુભાષ રેડ્ડી અને એમ. આર. શાહની –ત્રણ જજોની બેન્ચ કરી રહી છે.

વ્યાજ પર વ્યાજનો દર ઘણો વધુ

રિઝર્વ બેન્કે કોરોનાને લીધે બેન્કો અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓના ગ્રાહકોને છ મહિનાનું મોરેટોરિયમ આપ્યું હતું, જેની બદલે આ કંપનીઓ મૂળ રકમની સાથે વ્યાજ પર વ્યાજ લગાવતી હતી. આ રીતે લોનધારકોની લોન ચૂકવવાની રકમ વધુ વધી ગઈ હતી, કેમ કે વ્યાજ પર વ્યાજનો દર ઘણો વધુ હતો.

આ સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવતાં કહ્યું હતું કે તમે માત્ર વેપારમાં રસ નથી લઈ શકતા, લોકોની હેરાનગતિ પણ જોવી પડશે.

વ્યાજની માફીથી એનો ખર્ચ 5000-6000 કરોડ રૂપિયા

આ વિષયમાં બેન્કર્સનું કહેવું છે કે આ શ્રેણીઓ પર વ્યાજ પર વ્યાજની માફીથી એનો ખર્ચ 5000-6000 કરોડ રૂપિયા અસર પડશે. જોકે આ સ્કીમ બધા પ્રકાર પર લાગુ થાય તો ખર્ચ 10,000-15,000 કરોડ રૂપિયાની અસર પડે એવી શક્યતા છે.  બેન્કર્સ સરકારથી નુકસાનની ભરપાઈની આશા રાખી રહ્યા છે.

જોકે સરકારનો તર્ક હતો કે બધા પ્રકારના લોનધારકોને માફી આપવાથી બેન્કિંગ સિસ્ટમ પર વધુ દબાણ પડશે. બેન્ક આ પ્રકારના દબાણ સહન કરવા સક્ષમ નથી. આ સાથે ડિપોઝિટર્સનો વિશ્વાસ પણ ડગી જશે અને એને કારણે સરકારે મોટા લોનધારકોને માફી નથી આપી.