નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ મામલે PMLA કોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે. EDએ કોર્ટમાં કહ્યું હતું કે આપના મોટા નેતાઓને કવિતાએ લાંચ આપી હતી. કવિતાએ રૂ. 100 કરોડ આપ આદમી પાર્ટીને આપ્યા હતા. લાંચ રોકડમાં આપવામાં આવી હતી. કેજરીવાલને તેમની કરણી માટે જ નહીં, પણ તેમના સહયોગીઓએ જે કર્યું એના માટે પણ જવાબદાર ઠેરવાવા જોઈએ, એમ EDએ કહ્યું હતું.
રાઉઝ એવન્યુ કોર્ટમાં EDએ કેજરીવાલ વિશે અનેક દાવા કર્યા હતા, એજન્સીએ બે લોકોના ચેટનો હવાલો આપ્યો હતો. હવાલા દ્વારા રૂ. 45 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, જેમાં અલગ-અલગ લોકોને મોટી નાણાકીય રકમ આપવામાં આવી હતી. અમે આ લોકોની CDR ડિટેલ હાંસલ કરી છે. તેમના ફોન રેકોર્ડ પણ અમારી પાસે છે. વિજય નાયરની એક કંપની પાસેથી પણ પુરાવા મળ્યા છે. ચાર રૂટ મારફતે પૈસા ગોવામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
લિકર કેસમાં આરોપી કવિતાના નિવેદન પણ લેવામાં આવ્યાં હતાં. કેજરીવાલે કવિતા સાથે મુલાકાત પણ કરી હતી અને તેમને કહ્યું હતું કે દિલ્હી લિકર પોલિસી પર મળીને એકસાથે કામ કરવું જોઈએ. વિજય નાયર કેજરીવાલ માટે કામ કરી રહ્યો હતો. નાયર કેજરીવાલના ઘરની પાસે જ રહેતો હતો. તે વચેટિયાની જેમ કામ કરી રહ્યો હતો. કેજરીવાલે દક્ષિણ લોબી પાસે લાંચ માગી હતી. અમારી પાસે તેમની વિરુદ્ધ લાંચ માગવાના પૂરતા પુરાવા છે.