આણંદઃ આજે ‘મિલ્ક ડે’ છે. વર્ષ 2001થી ‘વિશ્વ દૂધ દિવસ’ સમગ્ર વિશ્વમાં ઊજવવામાં આવે છે. ‘દૂધ ડે’ની સ્થાપના યુનાઇટેડ નેશન્સના ફૂડ એન્ડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા ખેડૂતો અને ડેરી ક્ષેત્રની કામ કરતા લોકોની પ્રશંસા કરવા અને દૂધને ગ્લોબલ ફૂડ તરીકે માન્યતા આપવા માટે કરવામાં આવી હતી. ભારતમાં ડેરી ક્ષેત્રે લાખ્ખો લોકોની આજીવિકાનું સાધન છે.
‘વર્લ્ડ મિલ્ક ડે’ 2021ની થિમ અને ફોકસ છેઃ ડેરી ક્ષેત્રમાં સ્થિરતા પર કેન્દ્રિત છે. ભારત વિશ્વમાં સૌથી મોટા દૂધ ઉત્પાદકોમાંનો એક છે. 1955માં ભારતની બટરની આયાત વાર્ષિક ધોરણે 500 ટન હતી. અને 1975 સુધીમાં દૂધ અને દૂધનાં ઉત્પાદનોની આયાત બંધ થઈ ગઈ હતી, કેમ કે ભારત દૂધ ઉત્પાદનમાં સ્વનિર્ભર થઈ ગયું હતું. દૂધ ઉત્પાદનમાં ભારતની સફળતાની ગાથા ભારતના શ્વેત ક્રાંતિના પિતા તરીકે જાણીતા ડો. વર્ગીઝ કુરિયન દ્વારા લખવામાં આવી હતી. મિલ્ક ડેએ ટ્વિટર પર ઘણા લોકોએ ડો. વર્ગીઝ કુરિયનને યાદ કર્યા હતા.
ભારતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા ડો. કુરિયન હતા. તેઓ દૂધની અછતવાળા દેશમાંથી વિશ્વના સૌથી મોટા દૂધ ઉત્પાદક દેશમાં ફેરવવાના પ્રયાસો માટે જાણીતા છે. તેમના દ્વારા ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિ. અને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ સ્થાપવામાં આવ્યાં છે. આ બંને સંસ્થાઓએ દેશભરમાં ડેરી સહકારી ચળવળને આકાર આપવામાં મહત્ત્વની ભૂમિક ભજવી હતી. સહકારી ડેરીનું આણંદ મોડલ પ્રખ્યાત થયું.
ડો. કુરિયનના અથાગ પ્રયાસને લીધે 1976માં ‘મંથન’ ફિલ્મ બની. શ્યામ બેન્ગલ દ્વારા નિર્દેશિત ફિલ્મની પટકથા ડો. કુરિયન અને વિજય તેંડુલકર દ્વારા લખવામાં આવી હતી. ‘મંથન’ ફિલ્મ બનાવવામાં આશરે પાંચ લાખ ખેડૂતોએ રૂ. બે લાખનું દાન કર્યું હતું. જે વિશ્વના સૌથી મોટા ડેરી વિકાસ કાર્યક્રમમાં લાગ્યા હતા.
