ગોવામાં લગ્નપૂર્વે કાઉન્સેલિંગ નિયમને ફરજિયાત બનાવાશે

પણજીઃ ગોવા રાજ્યમાં છૂટાછેડાના કેસ ખૂબ વધી ગયા હોવાથી સરકારે નક્કી કર્યું છે કે રાજ્યમાં લગ્નપૂર્વે કાઉન્સેલિંગ (સલાહ આપવાની) પ્રથાને ફરજિયાત બનાવવા તે નીતિ ઘડશે. રાજ્યના કાયદાપ્રધાન નિલેશ કાબ્રાલે કહ્યું છે કે રાજ્ય સરકારની ગોવા ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન એન્ડ રુરલ ડેવલપમેન્ટ સંસ્થા કાઉન્સેલિંગ અભ્યાસક્રમ અને તેની ફોર્મેટ નક્કી કરશે.

કાબ્રાલે કહ્યું કે અમે આ મામલે કદાચ ધાર્મિક સંસ્થાઓની પણ મદદ લઈશું. રાજ્યમાં લગ્ન થયાના બે-ચાર મહિનામાં કે એક વર્ષમાં જ છૂટાછેડા થવાના કેસ ખૂબ વધી જતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવા કાયદા અંતર્ગત લગ્ન નોંધણી વખતે અથવા લગ્ન થાય એના 15 દિવસ પૂર્વે યુગલને કાઉન્સેલિંગ માટે બોલાવવામાં આવશે.