ચારા કૌભાંડનો સૌથી મોટો ચુકાદો: લાલૂપ્રસાદને 7 વર્ષની સજા અને 30 લાખનો દંડ

રાંચી- ઘાસચારા કૌભાંડના દુમકા કેસમાં CBIની વિશેષ અદાલતે આજે લાલૂપ્રસાદ યાદવને 7 વર્ષની જેલની સજા અને રુપિયા 30 લાખનો દંડ ફટકાર્યો છે. લાલૂપ્રસાદ યાદવ પર ઘાસચારા કૌભાંડમાં 6 કેસ દાખલ કરવામાં આવ્યા છે અને તેમાંથી ચાર કેસમાં તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. હાલમાં લાલૂપ્રસાદ યાદવ બિરસા મુંડા જેલમાં સજા ભોગવી રહ્યાં છે પરંતુ અસ્વસ્થ તબિયતની ફરિયાદ બાદ તેમને સારવાર માટે રિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.જજ શિવપાલ યાદવે ડિસેમ્બર 1995થી જાન્યુઆરી 1996 સુધીમાં ઝારખંડના દુમકા કોષાગારમાંથી બનાવટી રીતે રુપિયા 3.13 કરોડની ઉચાપત કરવાના કેસમાં ચુકાદો સંભળાવ્યો છે. અગાઉ સોમવારે રાંચીની CBIની વિશેષ અદાલતે લાલૂપ્રસાદ યાદવ સહિત 19 આરોપીઓને દોષિત ઠેરવ્યાં હતાં. જ્યારે બિહારના ભૂતપૂર્વ સીએમ જગન્નાથ મિશ્રા સહિત 12 લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતાં.

આ અગાઉ ઘાસચારા કોભાંડના ત્રીજા કેસમાં લાલૂપ્રસાદ યાદવ અને જગન્નાથ મિશ્રાને ચાઈબાસા કોષાગારમાં ગેરરીતિ આચરવાના કેસમાં CBIની વિશેષ અલાદતે દોષિત ઠેરવ્યાં હતાં. અદાલતે બંનેને 5 વર્ષની જેલની સજા ફટકારી હતી. આ કેસમાં અદાલતે લાલૂપ્રસાદને રુપિયા 10 લાખ અને જગન્નાથ મિશ્રાને રુપિયા 5 લાખ દંડ ફટકાર્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]