જાણો કેવી રીતે નક્કી કરવામાં આવે છે પેટ્રોલ-ડીઝલની કીમત

નવી દિલ્હી- હાલમાં દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યાં છે ત્યારે દરેકના મનમાં એક સવાલ થાય કે, પેટ્રોલ અને ડીઝલના બજાર ભાવ કેવી રીતે નક્કી કરવામાં આવતા હશે? ઈંધણની કીમતો બે મુખ્ય બાબતો પર નિર્ભર કરે છે. એક તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ એટલે કે કાચા તેલની કીમત અને બીજો સરકાર દ્વારા લગાવવામાં આવતો ટેક્સ. ક્રૂડ ઓઈલના ભાવ પર સરકારનું કોઈ નિયંત્રણ નથી રહેતું પરંતુ સરકાર પોતાના સ્તરે ટેક્સમાં વધઘટ કરી શકે છે.એટલે કહી શકાય કે, સરકાર પોતાની આવક ઓછી કરી ટેક્સમાં છૂટ આપીને જનતાને રાહત આપી શકે છે. દેશમાં પહેલા પેટ્રોલિયમના ભાવનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવતો હતો. પરંતુ જૂન-2017થી સરકારે પેટ્રોલિયમના ભાવ પરનું પોતાનું નિયંત્રણ દુર કર્યું છે. અને જણાવવામાં આવ્યું કે, આંતરરાષ્ટ્રીય બજારમાં વધઘટ પ્રમાણે ઈંધણની કીમત દરરોજ નક્કી કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલિયમની ખરીદી બેરલ મુજબ કરવામાં આવે છે. એક બેરલમાં આશરે 162 લીટર ઓઈલ હોય છે.

આપણે જે ભાવથી પેટ્રોલ-ડીઝલની ખરીદી કરીએ છીએ તેમાં લગભગ 50 ટકાથી પણ વધારે ટેક્સ ઉમેરવામાં આવે છે. જેમાં આશરે 35 ટકા એક્સાઈઝ ડ્યૂટી અને 15 ટકા રાજ્યોના વેટ અથવા સેલ્સ ટેક્સનો સમાવેશ થાય છે. ઉપરાંત 2 ટકા કસ્ટમ ડ્યૂટી પણ જોડવામાં આવે છે. આ બધા ટેક્સ ઉપરાંત ડીલર કમિશન લાગે તે અલગથી.

ઈંધણની મૂળ કીમતમાં કાચા તેલને શુદ્ધ કરવાનો રિફાઈનરીનો ખર્ચ શામેલ હોય છે. દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની કીમતો અલગ-અલગ હોય છે. જેના લીધે પેટ્રોલ-ડીઝલના ભાવ વધે છે. રાજધાની દિલ્હીની વાત કરીએ તો, ગત રોજ પેટ્રોલનો ભાવ 76.57 પ્રતિ લિટર હતો. જેનું વિશ્લેષણ કરવામાં આવે તો, બેઝ પ્રાઈઝ 37.19 રુપિયા, જ્યારે સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટી રુપિયા 19.48, વેટ અને અન્ય ટેક્સ 16.28, આ બધા ઉપરાંત ડીલરનું કમિશન રુપિયા 3.62 આ બધું જોડીને જનતાને રુપિયા 76.57 પ્રતિ લિટર પેટ્રોલ મળવાપાત્ર થાય છે.

આપને જણાવી દઈએ કે, સરકારે ડીઝલ, કેરોસિન અને LPGની કીમતોનું નિયંત્રણ પોતાના હસ્તક રાખ્યું છે. બાકી પેટ્રોલની કીમત આંતરરાષ્ટ્રીય બજાર ભાવ અને ટેક્સ મુજબ વધઘટ થાય છે.