નિપાહ વાયરસઃ ચાર જિલ્લામાં પ્રવાસ કરવા સામે કેરળ સરકારની ચેતવણી

તિરુવનંતપુરમ – કેરળ સરકારે એક જાહેર ચેતવણી બહાર પાડી છે કે લોકોએ આ રાજ્યના ચાર જિલ્લામાં પ્રવાસ કરવાનું ટાળવું અથવા પ્રવાસ કરવો હોય તો વધારે કાળજી રાખવી જરૂરી છે. આ ચાર જિલ્લા છે – કોળીકોડ (કોઝીકોડ), મલપ્પુરમ, વેનાડ (વયનાડ) અને કાન્નુર (કણ્ણૂર).

કેરળના આરોગ્ય સચિવ રાજીવ સદાનંદને જણાવ્યું છે કે કેરળ રાજ્યનો કોઈ પણ ભાગ પ્રવાસ કરવા માટે સુરક્ષિત છે, પરંતુ જો પ્રવાસી-પર્યટકો વધારે કાળજી રાખવા માગતા હોય તો એમણે ચાર જિલ્લામાં પ્રવાસ કરવાનું ટાળવું.

ઉલ્લેખનીય છે કે, નિપાહ વાયરસે કેરળમાં હાહાકાર મચાવ્યો છે અને રાજ્યમાં અત્યાર સુધીમાં 10 વ્યક્તિનો ભોગ લીધો છે.

નિપાહ વાયરસના મામલે કેરળ સરકારે 25 મેના શુક્રવારે કોળીકોડેમાં સર્વપક્ષીય બેઠક બોલાવી છે.

કોળીકોડે અને મલપ્પુરમ જિલ્લાઓમાં નિપાહને કારણે 10 જણે જાન ગુમાવ્યા છે. બીજા 19 જણ જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે. વેનાડ જિલ્લામાં એક જણ સારવાર હેઠળ છે. કુલ 13 કન્ફર્મ્ડ કેસોમાંથી 10 જણનાં મરણ નિપજ્યા છે.

નિપાહ વાયરસ એવો રોગ છે જે જાનવરો (ખાસ કરીને ડુક્કરો)માંથી ફળોમાં અને પછી માનવીઓમાં ફેલાય છે. આ વાયરસની હજી સુધી કોઈ તબીબી દવા કે રસી શોધી શકાઈ નથી. આ વાયરસ લાગુ થવાથી વ્યક્તિનું મોત નિપજી શકે છે. આ વાયરસના લક્ષણોમાં અસરગ્રસ્ત વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થાય છે, તાવ આવે છે અને માથાનો દુખાવો થાય છે.