નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય મંત્રી કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે EDને કહ્યું હતું કે કોર્ટ ચૂંટણીને કારણે કેજરીવાલને વચગાળાના જામીન આપવા પર વિચાર કરે એવી શક્યતા છે. આ કેસમાં આગામી સુનાવણી મંગળવારે સાત મેએ થશે.
કોર્ટે કહ્યું હતું કે આ કેસમાં સમય લાગી શકે છે, પરંતુ જો કેસમાં સમય લાગી શકે છો તો અમે ચૂંટણીને કારણે વચગાળાના જામીન પર વિચાર કરી શકીએ છીએ. કોર્ટે કહ્યું હતું કે અમે એના પર તમારી (ED) સુનાવણી કરી શકીએ છીએ. અમને તમે જણાવો કે જો અમે વચગાળાના જામીન આપીએ છીએ તો કઈ શરતો લગાવવામાં આવે?
આ પહેલાં 30 એપ્રિલે જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે કેજરીવાલની ધરપકડને પડકાર આપતી અરજી પર સુનાવણી જારી રાખતાં ED તરફથી હાજર થયેલા એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુને અનેક સવાલ કર્યા હતા અને તેના જવાબ માગ્યા હતા. ખંડપીઠે રાજુને કહ્યું હતું કે જીવન અને સ્વતંત્રતા બહુ મહત્ત્વની છે. તમે એનાથી ઇનકાર નથી કરી શકતા.દિલ્હીના મુખ્ય મંત્રી કેજરીવાલ 21 માર્ચે ધરપકડ પછી ન્યાયિક હિરાસતમાં તિહાડ જેલમાં બંધ છે. કોર્ટે 15 એપ્રિલે EDને નોટિસ આપીને કેજરીવાલની અરજી પર જવાબ માગ્યો હતો. એ પહેલાં દિલ્હી હાઇકોર્ટે કેજરીવાલની ધરપકડને યથાવત્ રાખતાં કહ્યું હતું કે EDની પાસે બહુ ઓછા વિકલ્પ બચ્યા હતા, કેમ કે કેજરીવાલે વારંવાર સમન્સ જારી કર્યા પછી તપાસમાં સામેલ થવાથી ઇનકાર કર્યો હતો.