કેજરીવાલે બીજી જૂને જવું પડશે જેલઃ કોર્ટનો સુપ્રીમ રાહતમાંથી ઇનકાર

નવી દિલ્હીઃ દિલ્હીના CM કેજરીવાલને સુપ્રીમ કોર્ટથી મોટો આંચકો લાગ્યો છે. કેજરીવાલની વચગાળાના જામીનના સમયગાળા સાત દિવસને વધુ વધારવાની અરજી પર તત્કાળ સુનાવણીથી સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યું હતું કે આ અરજી પર નિર્ણય ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI) કરશે. કેજરીવાલે મેડિકલ ટેસ્ટ માટે વચગાળાના જામીનનો સમયગાળો એક સપ્તાહ વધારવાની માગ કરી હતી. તેમના જામીનનો સમય બીજી જૂને પૂરો થઈ રહ્યો છે. ત્યાર બાદ તેમણે દિલ્હીની તિહાડ જેલમાં સરન્ડર કરવાનું રહેશે.

કોર્ટે કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીને પૂછ્યું હતું કે ગયા સપ્તાહે જ્યારે મુખ્ય ખંડપીઠના જસ્ટિસ દીપાંકર દત્તા સુનાવણી કરી રહ્યા હતા, ત્યારે દિલ્હી CMની અરજીમાં એનો ઉલ્લેખ કેમ નહોતો કરવામાં આવ્યો. કેજરીવાલે અચાનક વજન 6-7 કિલો ઓછું થવાને પગલે કેટલીક મેડિકલ ટેસ્ટ કરાવવા માટે સુપ્રીમ કોર્ટથી વચગાળાના જામીનનો સમયગાળો સાત દિવસ વધારવા માટે વિનંતી કરી હતી. કેજરીવાલ બીજી જૂનને બદલે નવમી જૂને આત્મસમર્પણ કરવા ઇચ્છે છે.

આ પહેલાં દિલ્હીનાં CM કેજરીવાલે વચગાળાના જામીનની મુદત વધારવા માટે સુપ્રીમ કોર્ટનાં દ્વાર ફરી એક વાર ખટખટાવ્યાં હતાં. તેમણે અરજીમાં સ્વાસ્થ્યનાં કારણોનો હવાલો આપીને વચગાળાના જામીન સાત દિવસ વધારવાની માગ કરી હતી.કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં પાર્ટીએ કહ્યું હતું કે દિલ્હીના CM કેજરીવાલને PET-CT સ્કેન સહિત કેટલાક અન્ય ટેસ્ટ કરાવવાના છે. જેથી તેમણે જામીનની મુદત વધારવાની માગ કરી હતી.

જોકે કોર્ટે તેમને પહેલી જૂન સુધી વચગાળાના જામીન આપ્યા હતા.