નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ભાષણમાં UPA ચેરપર્સન અને કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની સામે અપમાનજનક ભાષાના ઉપયોગનો મોટો આરોપ લગાડવામાં આવ્યો હતો. કોંગ્રેસ સાંસદ કેસી વેણુગોપાલે શુક્રવારે આ આરોપોની સાથે વડા પ્રધાનની સામે વિષેષાધિકાર હનનનો પ્રસ્તાવ આગળ વધાર્યો હતો. સંસદના બજેટ સત્રના બીજા તબક્કામાં આ પ્રસ્તાવને લઈને ફરી એક વાર સત્તા પક્ષ અને કોંગ્રેસ સામસામે આવી ગયા હતા.
કોંગ્રેસે રાજ્યસભાના અધ્યક્ષને પત્ર લખીને વડા પ્રધાન મોદીના રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ દરમ્યાન આપેલા ભાષણનો હવાલો આપ્યો હતો. વડા પ્રધાનના ભાષણ દરમ્યાન કોંગ્રેસ નેતાઓ પર આપવામાં આવેલા નિવેદનનો આધાર બનાવીને કોંગ્રેસ તરફથી વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા મોકલવામાં આવેલી નોટિસમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે વડા પ્રધાન સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી માટે અપમાનજનક છે. કોંગ્રેસના બંને નેતા લોકસભાના હાલના સાંસદ છે.
વડા પ્રધાને શું કહ્યું હતું?
રાજ્યસભાના અધ્યક્ષને લખેલા પત્રમાં કોંગ્રેસે વડા પ્રધાન મોદીનું નિવેદન સામેલ કર્યું છે, જેમાં વડા પ્રધાને કહ્યું હતું કે મને બહુ આશ્ચર્ય થાય છે કે ચાલો ભાઈ નેહરુજીનું નામ અમારાથી ક્યારેક છૂટી જાય છે તો અમે એને ઠીક પણ કરી લઈશું, કેમ કે તેઓ દેશના પહેલા વડા પ્રધાન હતા, પણ મને એ સમજમાં નથી આવતું કે તેમની પેઢીની કોઈ વ્યક્તિ નહેરુજીની સરનેમ રાખવાથી કેમ ડર લાગે છે? શું શરમ અનુભવે છે?