કોલકાતાઃ બંગલાદેશમાં હિન્દુઓની વિરુદ્ધ જારી અત્યાચારને લઈને ભારતમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. બંગલાદેશમાં થઈ રહેલી ઘટનાઓના વિરોધમાં બંગલાદેશની સરહદથી નજીક બશીરહાટમાં અનેક હિન્દુ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શનમાં બંગાળ ભાજપના અધ્યક્ષ સુવેન્દુ અધિકારીએ મોહમ્મદ યુનુસ સરકારને ધમકી આપતાં કહ્યું હતું કે માત્ર બે રાફેલ વિમાન બંગલાદેશનું કામ તમામ કરવા માટે કાફી છે.
તેમણે કહ્યું હતું કે પાડોશી દેશમાં સ્થિતિ વણસી રહી છે. બંગલાદેશ ભારત પર નિર્ભર છે, ભારત બાંગ્લાદેશ પર નિર્ભર નથી. સુવેન્દુએ કહ્યું કે જો ભારત 97 ઉત્પાદનો ન મોકલે તો બાંગ્લાદેશને ચોખા અને કપડાં નહીં મળે. તેમણે કહ્યું હતું કે જો ભારત ઝારખંડમાંથી ઉત્પાદિત વીજળી નહીં મોકલે તો ત્યાંના 80 ટકા ગામડાંઓને વીજળી નહીં મળે. તેમણે રાફેલ ફાઇટર એરક્રાફ્ટ મોકલવાની પણ ધમકી આપી દીધી હતી. તેમણે કહ્યું હતું કે હાસીમારામાં 40 રાફેલ વિમાન તહેનાત છે. માત્ર બે વિમાનો મોકલવાથી જ કામ ચાલી જશે.
બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારનો સત્તાપલટો થયા બાદ બંગલાદેશમાં લઘુમતીઓ પર હુમલાની 88 ઘટનાઓ બની છે. તેમાંથી મોટા ભાગની ઘટનાઓ હિંદુ લઘુમતીઓ સાથે સંબંધિત છે, એમ વચગાળાની સરકારના ચીફ મુહમ્મદ યુનુસના પ્રેસ સચિવ શફીકુલ આલમે આ જાણકારી આપી છે. આમ બંગલાદેશે ખુદ સ્વીકાર્યું છે કે હિન્દુઓ પર હુમલાની 88 ઘટનાઓ બની છે. તેમણે જણાવ્યું હતું કે આ ઘટનાઓના સંબંધમાં 70 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ વચ્ચે ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ બંગલાદેશને લડાકુ વિમાન રાફેલની ધમકી આપી દીધી છે.
