શ્રીનગરઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરના લેફ્ટેનન્ટ ગવર્નર મનોજ સિન્હા અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની ઉપસ્થિતિમાં ગઈ કાલે કુપવાડા નગરમાં મરાઠા યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. શિંદેના હસ્તે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક પહેલ હાથ ધરવા બદલ લેફ્ટેનન્ટ ગવર્નર સિન્હાએ ‘આમ્હી પુણેકર’ સંસ્થા અને ભારતીય સેનાએ બળવાખોરીને ડામવા માટે રચેલા વિશેષ દળ ‘41-રાષ્ટ્રીય રાઈફલ્સ’ને અભિનંદન આપ્યા હતા. એમણે આ પ્રસંગે કહ્યું, ‘મહાન શિવાજીની આ પ્રતિમા સ્થાનિક લોકો તથા ભારતીય સેનાના બહાદુર જવાનો માટે એક પ્રેરણાસ્રોત બની રહેશે. શિવાજી મહાન યોદ્ધા અને સ્વરાજ્યના સ્થાપક હતા. દર વર્ષે 7 નવેમ્બરનો દિવસ કુપવાડામાં ‘છત્રપતિ શિવાજી મહારાજ ઉત્સવ’ તરીકે ઉજવવામાં આવશે.’
(તસવીર સૌજન્યઃ @CMOMaharashtra)
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું કે, ‘છત્રપતિ શિવાજી દરેક ભારતીય માટે પ્રેરણામૂર્તિ છે. બલિદાન અને બહાદુરી માટે મહારાષ્ટ્ર મહાન પરંપરા ધરાવે છે. છત્રપતિ શિવાજીના રાજ્યાભિષેકની 350મી સંવત્સરીના વર્ષમાં કુપવાડામાં એમની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે તે ખરેખર પ્રશંસનીય છે.’
