જમ્મુ-કશ્મીરના પોલીસ અધિકારીનો હત્યારો પકડાયો

જમ્મુઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરના ડાયરેક્ટર જનરલ (જેલને લગતી બાબતો) હેમંત લોહિયાની હત્યા કરીને ફરાર થયેલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી લોહિયાનો ઘરનોકર હતો અને એનું નામ છે યાસીર એહમદ લોહાર. જમ્મુ-કશ્મીર પોલીસે ટ્વિટરના માધ્યમથી જાણકારી આપી છે કે રાજ્યની પોલીસે ગઈ આખી રાત તપાસ ચલાવી હતી અને એમાં મોટી સફળતા મેળવી છે. તેણે આરોપી યાસીર એહમદ લોહારને પકડી લીધો છે જે ડીજી (જેલ) હેમંત લોહિયાની હત્યાના કેસમાં સંડોવાયેલો છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

લોહારન રામબન જિલ્લાના હલ્લા-ધાન્દ્રથ ગામનો વતની છે. હેમંત લોહિયા ગયા સોમવાર-મંગળવારની મધરાતે જમ્મુના ઉદયવાલા શહેરમાં એમના નિવાસસ્થાનમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. કોઈ ધારદાર શસ્ત્રથી એમનું ગળું ચીરી નાખવામાં આવ્યું હોવાનું માલુમ પડ્યું હતું.