ભાજપના એજન્ડા પર કામ કરે છે પ્રશાંત કિશોરઃ JDU

પટનાઃ બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારની પાર્ટી JDUએ ભૂતપૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોર પર ભાજપ તરફથી કામ કરવાનો આરોપ લગાવતાં સવાલ કર્યો હતો કે તેમના બહુપ્રચારિત જન સુરાજ કેમ્પેન માટે ફંડનો સ્રોત કયો છે. JDUના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજીવ રંજન સિંહ ઉર્ફે લલન સિંહે પ્રશાંત કિશોરની રાજ્યવ્યાપી પદયાત્રાની ટીકા કરતાં કહ્યું હતું કે બિહારના લોકો જાણે છે કે નીતીશકુમારના રાજમાં કેટલી પ્રગતિ થઈ છે, અમારે પ્રશાંત કિશોર પાસેથી સર્ટિફિકેટની જરૂર નથી. જોકે અન્ય નાગરિકની જેમ તેઓ માર્ચ અથવા દેખાવ કરવા માટે સ્વતંત્ર છે.

તેઓ તેમની ઝુંબેશ માટે કોઈ પણ નામ આપે, પણ એવું લાગે છે કે તેઓ ભાજપતરફી કામ કરી રહ્યા છે. લલન સિંહે કહ્યું હતું કે દેશમાં જાણીતા રાજકીય પક્ષો જ આખા પાનાની જાહેરાત કરતા જોવા મળ્યા છે, તેમણે તેમની પદયાત્રા માટે આવું કર્યું છે. તેમણે સવાલ કર્યો હતો કે ઇન્કમ ટેક્સ, CBI કે ED આની નોંધ કેમ નથી લઈ રહી?JDUની આ ટિપ્પણી ભાજપના પ્રદેશ પ્રવક્તા નિખિલ આનંદ દ્વારા એક નિવેદન જારી કર્યાના એક દિવસ પછી આવી છે, જેમાં પ્રશાંત કિશોરને રાજકીય વચેટિયા કહેવામાં આવ્યા હતા. જેનો નીતીશકુમાર સાથે ગુપ્ત રીતે સમજૂતી છે.

કિશોરની પ્રસિદ્ધનો પહેલો દાવો છે કે 2014ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપે સૌપ્રથમ વાર ભારે બહુમતી હાંસલ કરી હતી. ત્યાર બાદ તેમણે JDU મહાગઠબંધન, લાલુ પ્રસાદની RJD અને કોંગ્રેસને બિહાર વિધાનસભાની ચૂંટણીમાં શાનદાર જીત અપાવવામાં મદદ કરી છે, જ્યારે ભાજપે બાજી મારી હતી.