મુંબઈઃ આજે સવારે મુંબઈ તથા નવી મુંબઈમાં રિલાયન્સ જિયો નેટવર્ક બંધ થઈ જતાં દેશભરમાં અનેક ગ્રાહકો પરેશાન થઈ ગયાં હતાં. આ વિશેની ફરિયાદ કરવા માટે અનેક યૂઝર્સે માઈક્રોબ્લોગિંગ વેબસાઈટ ટ્વિટરનો સહારો લીધો હતો. જિયો ગ્રાહકોની ફરિયાદ હતી કે તેઓ કોઈ ફોન કરી શકતા નથી કે કોઈ ફોન રિસીવ થતા નથી. જોકે તેઓ ડેટા સર્વિસનો ઉપયોગ કરી શકતા હતા.
દુનિયાભરમાં નેટવર્ક્સના આઉટેજ પર દેખરેખ રાખતી વેબસાઈટ ‘ડાઉનડીટેક્ટર’એ પણ જાણકારી આપી હતી કે જિયો નેટવર્ક ઉપલબ્ધ ન હોવાની ફરિયાદ કરનારાઓની સંખ્યા વધી રહી છે. સવારે 8 વાગ્યા સુધીમાં ફરિયાદોની સંખ્યા 500નો આંક પાર કરી ગઈ હતી.
જોકે, જિયો તરફથી સત્તાવાર રીતે આ વિશે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નહોતી. વળી, ગ્રાહકોને જિયો નેટવર્કની સમસ્યાનો આ કંઈ પહેલી જ વાર સામનો કરવો પડ્યો નથી.