શ્રદ્ધા મર્ડર કેસ: આરોપી આફતાબને લઈ જઈ રહેલા વાહન પર તલવારથી હુમલો

શ્રદ્ધા હત્યા કેસના આરોપી આફતાબ પૂનાવાલાના વાહન પર સોમવારે (28 નવેમ્બર) દિલ્હીના રોહિણીમાં હુમલો કરવામાં આવ્યો હતો. પોલીગ્રાફ ટેસ્ટ બાદ એફએસએલની ટીમ આફતાબને લઈને બહાર આવી હતી. ત્યારબાદ કેટલાક લોકોના ટોળાએ સ્થળ પર પહોંચીને કાર પર હુમલો કર્યો હતો. આ લોકોના હાથમાં તલવાર હતી અને આફતાબને મારવાની વાત કરી રહ્યા હતા. જ્યારે હુમલો થયો ત્યારે એક પોલીસકર્મી વેનમાંથી બહાર આવ્યો અને આ લોકો પર બંદૂક તાકી.

ગુસ્સે ભરાયેલા ટોળાએ પોલીસ વાન પર પણ પથ્થરમારો કર્યો હતો. હુમલો કરનાર વ્યક્તિએ કહ્યું કે, તેને બે મિનિટ માટે બહાર કાઢો, હું તેને મારી નાખીશ. આફતાબની કાર પર હુમલો કરનારા કેટલાક આરોપીઓની પોલીસે અટકાયત કરી છે. હુમલાખોરો હિન્દુ સેનાના કાર્યકર્તા હોવાનો દાવો કરે છે.

પોલીસ વાનમાં 5 પોલીસકર્મીઓ હાજર હતા

ડીસીપી રોહિણી ગુરિકબાલ સિંહે એબીપી ન્યૂઝને જણાવ્યું કે હુમલાખોરોની અટકાયત કરવામાં આવી છે. તપાસ ચાલી રહી છે અને તેની પાછળ કોણ છે તે શોધી રહ્યા છીએ. પોલીસનું કહેવું છે કે તેઓ જે સંસ્થાનું નામ લઈ રહ્યા છે તેની માહિતી પણ એકત્રિત કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હી પોલીસની ત્રીજી બટાલિયનને જેલમાંથી કેદીઓને લાવવાની જવાબદારી છે. આફતાબની સાથે એક સબ ઈન્સ્પેક્ટર સહિત 5 પોલીસકર્મી અને પોલીસ વાનમાં ચાર પોલીસકર્મી હતા, પોલીસ વાન સલામત છે.

આફતાબના પોલીગ્રાફ ટેસ્ટ બાદ હુમલો થયો હતો

આફતાબનો રોહિણીની એફએસએલમાં પોલીગ્રાફ ટેસ્ટ ચાલી રહ્યો હતો. જે બાદ પોલીસ ટીમ તેની સાથે પરત ફરી રહી હતી. આ દરમિયાન કેટલાક લોકોએ પોલીસ વાન પર હુમલો કર્યો હતો. અગાઉ એફએસએલના મદદનીશ નિયામક સંજીવ ગુપ્તાએ કહ્યું હતું કે નિષ્ણાતોની ટીમ પોલીગ્રાફ ટેસ્ટ કરી રહી છે અને આજનો સત્ર ટૂંક સમયમાં પૂર્ણ થશે. જરૂર પડશે તો આફતાબને આવતીકાલે પણ આ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. પોલીગ્રાફ ટેસ્ટ પૂર્ણ થયા બાદ નાર્કો ટેસ્ટ શરૂ કરવામાં આવશે.

આરોપી ન્યાયિક કસ્ટડીમાં છે

આફતાબ પર તેની ગર્લફ્રેન્ડ શ્રદ્ધાની હત્યા કરવાનો અને તેના શરીરના 35 ટુકડા કરવાનો આરોપ છે. પોલીસના જણાવ્યા અનુસાર, આફતાબે શરીરના અંગોને તેના મહેરૌલીના ઘરે ફ્રિજમાં રાખ્યા હતા અને પછી ઘણા દિવસો સુધી તેને સમગ્ર શહેરમાં ફેંકી દીધા હતા. શનિવારે (26 નવેમ્બર) દિલ્હીની અદાલતે આરોપીને 13 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો હતો.