અમદાવાદ : મતદાન જાગૃતિ માટે વિશાળ રેલીનું આયોજન કરાયું

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે તમામ પાર્ટીઓ દ્વારા હવે જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તો બીજી બાજુ ગુજરાત વિધાનસભા ની ચૂંટણીમાં મોટી સંખ્યામાં મતદાન થાય એવા પ્રયત્નો ચૂંટણી પંચ દ્વારા થઇ રહ્યા છે. ચૂંટણી પંચ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજીને લોકો જાગૃત કરવામાં આવી રહ્યા છે અને મતદાન કરવાની અપીલ કરવામાં આવી રહી છે.

મતદાન જાગૃતિ માટે કાર્યક્રમ

ચૂંટણી પંચની સાથે સાથે ખાનગી સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ પણ મતદાન જાગૃતિ માટેના કાર્યક્રમ કરી રહી છે. ચૂંટણી જાહેર થયા પછી શરૂઆતના તબક્કામાં વાતાવરણ એકદમ શુષ્ક જણાતું હતું. પરંતુ ચૂંટણી પંચના જુદા જુદા કાર્યક્રમો, બેનર્સ,  હોર્ડિંગ્સ અને સોશિયલ મીડિયાના કારણે ચૂંટણી ચર્ચા, મતદાન તારીખ લોકોના માનસ પટલ પર તરવા માંડ્યા છે.

મતદાન જાગૃતિ માટેના બેનર્સ સાથે વિશાળ રેલીનું આયોજન

તો બીજી તરફ સ્થાનિક શાળા ઓના સંચાલકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ને પણ જુદી જુદી એક્ટિવિટી દ્વારા મતદાન જાગૃતિ માટે વ્યસ્ત રાખવામાં આવી રહ્યા છે. બેનર્સ સાથેની રેલીઓ, પેઇન્ટિંગ દ્વારા મતદાર જાગૃતિ ઝુંબેશ કરાઇ રહી છે. ત્યારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી અક્ષર વિદ્યાલય દ્વારા સાબરમતી મતવિસ્તાર અને આજુબાજુના વિસ્તારોમાં મતદાન જાગૃતિ માટેના બેનર્સ સાથે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું મતદાન બે તબક્કામાં

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું મતદાન બે તબક્કામાં થશે. પહેલા તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર 2022ના દિવસે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બર 2022ના દિવસે થશે. જ્યારે મતગણતરી 8 ડિસેમ્બર 2022ના રોજ થશે. આ દિવસે ગુજરાતમાં કોની સરકાર બનશે એ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. 8 ડિસેમ્બરે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થશે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]