પ્રવાસીને માંસાહાર ભોજન પીરસ્યું: જેટ એરવેઝને રૂ. 65,000નો દંડ ફટકારાયો

મુંબઈ – પ્રવાસીએ શાકાહારી ભોજનનો ઓર્ડર આપ્યો હોવા છતાં વિમાનમાં એને માંસાહારી ભોજન પીરસવા બદલ એ પ્રવાસીને વળતર પેટે રૂ. 65,000 ચૂકવવાનો ગ્રાહક અદાલતે જેટ એરવેઝને આદેશ આપ્યો છે.

અહેવાલ મુજબ, રાજકોટનિવાસી ભાનુપ્રસાદ જાનીએ જેટ એરવેઝ વિરુદ્ધ આ ફરિયાદ કરી હતી. એમણે કહ્યું કે પોતે એશિયન વેજિટેરિયન ભોજનનો અગાઉથી ઓર્ડર આપ્યો હોવા છતાં એમને વિમાનમાં માંસાહારી ભોજન પીરસવામાં આવ્યું હતું.

જાનીએ કહ્યું કે પોતે જિંદગીમાં ક્યારેય ઈંડા ખાધા નથી. વિમાનમાં પીરસવામાં આવેલું ભોજન ટેસ્ટ કર્યા બાદ પોતે બીમાર પડી ગયા હતા. એમણે એ ભોજનની તસવીરો પાડીને અને વિડિયો ઉતાર્યા હતા અને પછી ગ્રાહક અદાલતમાં એ પેશ કર્યા હતા.

જેટ એરવેઝે એવી દલીલ કરી હતી કે ભાનુપ્રસાદ જાનીએ એશિયન વેજિટેરિયન ભોજનનો ઓર્ડર આપ્યો હતો, પણ એમણે બાદમાં પોતાનો ઓર્ડર બદલ્યો હતો. ભોજનના પેકેટ પર નોન-વેજ લેબલ પણ રાખવામાં આવ્યું હતું.

તે છતાં ગ્રાહક અદાલતે એરલાઈનની દલીલને ફગાવી દીધી અને એને આદેશ આપ્યો કે તે પ્રવાસી જાનીને વળતર પેટે રૂ. 65,000 ચૂકવી દે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]