અમદાવાદઃ સમગ્ર દેશમાં જન્માષ્ટમીના તહેવારની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે, પણ આ વર્ષે કોરોના રોગચાળાને લીધે મંદિર સહિત દેશભરમાં તમામ મંદિરોમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેતાં જન્માષ્ટમની ઉજવણી એક વર્ચ્યુઅલ પ્રસંગ બની રહી છે. ઇતિહાસમાં સૌપ્રથમ વાર જન્માષ્ટમીના પર્વ પર દ્વારકાધીશ મંદિરનાં દ્વાર ભક્તો માટે બંધ રહેશે. મથુરા, વૃંદાવન, ડાકોર શામળાજી સહિત અનેક મંદિરોમાં બંધ બારણે ઉજવણી કરવામાં આવી રહી છે. જોકે તમામ મંદિરો કૃષ્ણ જન્મોત્સવનું વેબકાસ્ટ કરી રહ્યાં છે. અનેક જ્ગ્યાએ મંગળવારે પણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી.
દ્વારકાધીશ મંદિરને શણગારાયું
દ્વારકાધીશ મંદિરને લાઇટ અને ડેકોરેશનથી શણગારવામાં આવ્યું છે અને રંગબેરંગી લાઇટોથી દ્વારકાધીશનું મંદિર ઝળહળી ઊઠ્યું છે. જોકે 13 તારીખ સુધી દ્વારકાધીશ મંદિર બંધ રહેશે. જોકે દ્વારકાધીશને 1650 વખત જળાભિષેક કરવામાં આવશે અને રાત્રે બે વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે અને ભગવાનને અતિ પ્રિય માખણ-મિસરીનો ભોગ ધરાવાશે. આમ તો કૃષ્ણ જન્મોત્સવ ઊજવવા દ્વારકામાં એકથી દોઢ લાખ ભાવિકો આવતા હોય છે પરંતુ આ વર્ષે આ ભીડ અહીં નહીં જોવા મળે. માત્ર પૂજારી પરિવાર જ ભગવાન દ્વારકાધીશના જન્માષ્ટમી ઉત્સવને ઉજવણી કરશે., ભગવાનની આરતી DWARKADHISH.ORG પર લાઈવ જોવા મળશે.
શ્રાથજીને 21 તોપોની સલામી
નાથદ્વારામાં શ્રીનાથજીની રાઇ-લૂણથી નજર ઉતારવામાં આવશે. રાત્રે 12 કલાકે ઠાકોરજીના પ્રાગટ્યનો સંકેત આપતાં બ્યુગલ વાગશે. રિસાલા ચોકમાં બે તોપોથી 21 વાર સલામી આપવામાં આવશે. શ્રીનાથજીને શંગાર પછી પછી જન્મની આરતી થશે. ત્યાર બાદ તેમને 100થી વધુ પ્રકારનો મહાભોગ ધરાવાશે.
બાંકે બિહારીને 21 પ્રકારનો ભોગ
મથુરાના બાંકે બિહારીને આજે રાત્રે 11 કલાકે મંદિરના સેવક ગોસ્વામીગણ મંદિર પરિસરમાં 21 પ્રકારના ભોગથી પ્રવેશ કરશેય. ગોસ્વામી ગણ ઠાકોરજીને પોણા બારે અત્તરની માલિશ કરી જગાડશે. ત્યાર બાદ તેમને પંચામૃતથી સ્નાન કરાવીને ઠાકોરજીને સિંહાસન પર બિરાજમાન કરી શંગાર અને ભોગ ધરાવવામાં આવશે. અહીં જન્માષ્ટમી પર મંગળા આરતી કરવામાં આવે છે.
ભકતો વગર જ જન્માષ્ટમીની ઉજવણી
ડાકોરમાં પણ ભકતો વગર જ જન્માષ્ટમીની ઉજવણી થશે. રાત્રે બાર વાગ્યે કૃષ્ણ જન્મોત્સવ, ભગવાનને તિલક કરવામાં આવશે, પંચામૃત સ્નાન કરાવ્યા બાદ સવા લાખનો મુગટ પહેરાવવામાં આવશે, રાત્રે અઢી વાગ્યે આરતી કર્યા બાદ ભગવાનને પારણે ઝૂલાવવામાં આવશે. http://ranchhodraiji.org પર આરતી લાઈવનો લહાવો મળશે.
જન્માષ્ટમીના દિવસે શામળાજી મંદિર રાતના આઠ વાગ્યા સુધી જ ખુલ્લું રહેશે, રાત્રે બાર વાગે બંધ બારણે જ માત્ર પૂજારીઓની હાજરીમાં જન્મોત્સવ ઉજવવામાં આવશે. ત્યાર બાદ 11.30 કલાકે રાજભોગ આરતીની સાથે મંદિર ખૂલશે, અને 12.15 કલાકે મંદિર બંધ થશે, 15 મિનિટ બાદ એટલે કે 12.30 કલાકે મંદિર ખૂલશે (ઉત્થાપન) સાંજે સાત વાગ્યે સંધ્યા આરતી અને રાત્રે આઠ વાગે મંદિર બંધ થશે .www.shreeshamlajivishnutemple.org live આરતી જોઈ શકાશે.
મોટા ભાગનાં મંદિરો બંધ રાખવાનો નિર્ણય
દેશમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે જેથી મોટા ભાગના મંદિરો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તહેવારો હોવાથી ભીડ ન થાય અને સંક્રમણ ન ફેલાય તેના માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આમ તો કૃષ્ણ જન્મોત્સવ ઊજવવા દ્વારકામાં એકથી દોઢ લાખ ભાવિકો આવતા હોય છે પરંતુ આ વર્ષે આ ભીડ અહીં નહીં જોવા મળે.
અમદાવાદમાં તમામ મંદિરોમાં કાર્યક્રમો રદ
અમદાવાદ મ્યુનિનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં કોરોનાના સંક્રમણને પગલે શહેરનાં તમામ મંદિરોમાં જન્માષ્ટમીની ઉજવણીના તમામ કાર્યક્રમો રદ કરી દેવાયા છે કોર્પોરેશને તમામ મંદિરોમાં કૃષ્ણજન્મની ઉજવણી અને મટકી ફોડ જેવા કાર્યક્રમો ન કરવા માટે રજૂઆત કરી હતી જેને પગલે મોટાભાગનાં મંદિરોએ કાર્યક્રમો રદ કરવાની જાહેરાત કરી દીધી છે.