IT વિભાગના 1000 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગને મામલે ચીની નાગરિકોનાં સ્થળોએ દરોડા

 નવી દિલ્હીઃ શેલ કંપનીઓની આડમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરવાના આરોપમાં ચીનના નાગરિકો, કંપનીઓ અને તેમના ભારતીય સહયોગીઓના ઠેકાણાં પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. વિભાગે દિલ્હી, ગાજિયાબાદ અને ગુરુગ્રામમાં 21 જગ્યાઓએ ગઈ કાલે દરોડા પાડવામાં આવ્યા હતા. આરોપ છે કે કેટલાક ભારતીયોની મદદથી આ ચીની નાગરિકોએ કેટલીય શેલ કંપનીઓની નોંધણી કરીને હવાલા અને મની લોન્ડરિંગ દ્વારા 1000 રૂપિયાના ગેરકાયદે ટ્રાન્ઝેક્શન કર્યાં હતાં. આવકવેરા વિભાગ દ્વારા આ દરોડા એક સૂચના મળ્યા પછી પાડવામાં આવ્યા હતા.  

આ સૂચનામાં વિભાગને માલૂમ પડ્યું હતું કે કેટલાક ચીની નાગરિકો અને તેમના ભારતીય સહયોગીઓ શેલ કંપનીઓની મદદથી મની લોન્ડરિંગ અને હવાલાની લેવડદેવડમેં સામેલ છે. ત્યાર પછી તપાસ દરમ્યાન માલૂમ પડ્યું હતું કે ચીની નાગરિકોએ ખોટી કંપનીઓનાં 40થી વધુ બેન્ક ખાતાં ખોલાવ્યાં છે.

આ બેન્ક ખાતાંઓની મદદથી 1000 કરોડ રૂપિયાથી વધુ ગેરકાયદે લેવડદેવડ કરવામાં આવી હતી. ત્યાં ચીનની કંપનીની નિયંત્રિત એક કંપની ભારતમાં રિટેલ વેપારને ખોલવા માટે શેલ કંપનીઓથી 100 કરોડના બોગસ એડવાન્સ પણ લઈ ચૂકી છે.

આ તપાસ ઝુંબેશમાં વિભાગને હવાલાથી જોડાયેલા દસ્તાવેજ અને ગેરકાયદે કામગીરીમાં બેન્ક કર્મચારીઓ, CAની પણ સંડોવણી હોવાના પુરાવા મળ્યા છે. આ મામલે ચીનમાં એક નાગરિક લુઓ સંગની ધરપકડ કરવામાં આવી છે, જે ભારતમાં ચાર્લી પંગના નામંથી દેશમાં રહી રહ્યો છે. તેની પાસે મણિપુરના સરનામાથી બનેલો એક નકલી પાસપોર્ટ પણ મળી આવ્યો છે. તેનાં નકલી નામથી આઠથી 10 બેન્ક એકાઉન્ટ પણ છે, જે કેટલીય ચાઇનીઝ કંપનીઓ માટે ભારતમાં હવાલાની કામગીરી જોતો હતો.