શ્રીનગરઃ જમ્મૂ-કાશ્મીર પિપલ્સ મૂવમેન્ટના સંસ્થાપક શાહ ફૈસલ પર પણ પબ્લિક સેફ્ટી એક્ટ લગાવી દેવામાં આવ્યો છે. શાહ ફૈસલ પર કયા આરોપો અંતર્ગત પીએસએ લગાવવામાં આવ્યો તેની હજી પુષ્ટી થઈ શકી નથી. ફૈસલને ગત વર્ષે ઓગસ્ટમાં દિલ્હી એરપોર્ટથી ધરપકડ કરવામાં આવી હતી. તે દિલ્હીથી ઈસ્તંબુલ જઈ રહ્યા હતા. બાદમાં તેમને દિલ્હીથી શ્રીનગર લાવવામાં આવ્યા હતા અને તેમને તેમના ઘરમાં નજરબંધ કરવામાં આવ્યા છે. જમ્મૂ-કાશ્મીરથી આર્ટિકલ 370 ખતમ કરવામાં આવ્યા બાદ ફૈસલને તેમના એક ટ્વીટના કારણે અટકાયતમાં લેવામાં આવ્યા હતા. તેમણે ટ્વીટ કર્યું હતું, રાજનૈતિક અધિકારોને ફરીથી પ્રાપ્ત કરવા માટે કાશ્મીરને લાંબા, નિરંતર અને અહિંસક રાજનૈતિક આંદોલનની જરુર છે.
ગત વર્ષે 5 ઓગસ્ટના રોજ જમ્મૂ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 ખતમ કરી દેવામાં આવ્યો હતો બાદમાં ઘાટીના તમામ મોટા નેતાઓને તેમના ઘરમાં નજરબંધ કરી દેવામાં આવ્યા. શાહ ફૈસલે એક ફેસબુક પોસ્ટમાં કેન્દ્ર સરકારની ટીકા કરતા લખ્યું હતું કે, ઘાટીમાં પોલીસની કાર્યવાહીથી આશરે 80 લાખ જેટલા લોકોને બંધી સમાન રહેવા માટે મજબૂર છે. રાજ્યમાં આ પ્રકારની સ્થિતિ ક્યારે નહોતી. જીરો બ્રિજથી એરપોર્ટ સુધી કેટલાક જ વાહનો દેખાઈ રહ્યા છે. તમામ જગ્યાએ પૂર્ણ રીતે બંધ છે.