જે.પી. નડ્ડા નિમાયા ભાજપના કાર્યકારી પ્રમુખ; અમિત શાહ પ્રમુખપદે ચાલુ રહેશે

નવી દિલ્હી – જગતપ્રકાશ નડ્ડાને ભારતીય જનતા પાર્ટીના નવા રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ભાજપના સંસદીય બોર્ડે આજે આ નિર્ણય લીધો છે, જે પક્ષનું સર્વોચ્ચ નિર્ણાયક જૂથ છે.

પક્ષના રાષ્ટ્રીય પ્રમુખપદે અમિત શાહ ચાલુ રહેશે, જેમને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહ પ્રધાન તરીકે પોતાના પ્રધાનમંડળમાં સામેલ કર્યા છે. નડ્ડા પક્ષની દૈનિક કામગીરીઓ સંભાળશે.

ભાજપના કાર્યકારી પ્રમુખ તરીકે નડ્ડાની નિમણૂકની જાણકારી સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આપી હતી.

17મી લોકસભાના આજે પહેલા દિવસે, સંસદભવનની બહાર પત્રકારો સાથેની વાતચીતમાં રાજનાથ સિંહે કહ્યું હતું કે ભાજપે અમિત શાહના નેતૃત્ત્વ હેઠળ ઘણી ચૂંટણીઓ જીતી છે, પરંતુ વડા પ્રધાને એમને ગૃહ પ્રધાન તરીકે નિયુક્ત કર્યા હોવાથી શાહે પોતે જ કહ્યું હતું કે પક્ષના પ્રમુખપદની જવાબદારી કોઈ અન્યને સોંપવામાં આવે. એટલે ભાજપ સંસદીય બોર્ડે જે.પી. નડ્ડાને પક્ષના કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે.

રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે અમિત શાહ પક્ષના પ્રમુખ તરીકે ચાલુ રહેશે.