ઇટાલિયાએ PMનું નહીં, દેશનું અપમાન કર્યું છેઃ સંબિત પાત્રા

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રમુખ ગૌરવ ઇટાલિયા દ્વારા સોશિયલ મિડિયા પર વાઇરલ થઈ રહેલા એક વિડિયોમાં વડા પ્રધાનને અપમાનજનક શબ્દો કહ્યા પછી ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા સંબિત પાત્રાએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે જે પ્રકારે ભાષાનો ઉપયોગ આમ આદમી પાર્ટીએ વડા પ્રધાન માટે કર્યો છે, એ જોતાં સ્પષ્ટ થાય છે કે આપ પાર્ટી કયા પ્રકારની છે અને એની મંશા શી છે- એ ઉજાગર કરે છે. ઇટાલિયાએ વડા પ્રધાનનું નહીં, પણ દેશનું અપમાન કર્યું છે.  

તેમણે કહ્યું હતું કે આપના ગુજરાતના અધ્યક્ષે એક વિડિયોમાં કેટલીય વાર વડા પ્રધાન માટે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો છે. એ આમ આદમી પાર્ટીની માનસિકતા દર્શાવે છે. મણિશંકર ઐયરની ભાષાનું પરિણામ એ છે કે કોંગ્રેસ ગુજરાતમાંથી સાફ થઈ ગઈ છે. દેશમાં ચૂંટણીમાં કોંગ્રેસના હાલ થયા છે, એ બધા જોયા છે. આ જ ઠીક એ પ્રકારની ભાષાનો પ્રયોગ અરવિંદ કેજરીવાલ કરી રહ્યા છે.

કેજરીવાલ અને તેમના નેતાઓ દેશનું ચરિત્ર બદલવા આવ્યા છે. દેશમાં લોકતાંત્રિક પદ્ધતિએ પસંદ થયેલા વડા પ્રધાન માટે એલફેલ ઉચ્ચારણો કહેવામાં આવે – એ ખરેખર ખોટું છે. ગોપાલ ઇટાલિયાએ આ વિડિયોમાં અનેક વાર વડા પ્રધાન મોદી માટે અભદ્ર ટિપ્પણી કરી છે. જેથી હું એ કહું કે અરવિંદ કેજરીવાલ અને મણિશંકર- બંનેમાં કોઈ ફરક નથી રહ્યો. બંનેની ભાષાનો સ્તર અને બંનેનું રાજકારણનું સ્તર એક જેવું છે –તો એ કોઈ અતિશયોક્તિભર્યું નહીં હોય, એમ તેમણે કહ્યું હતું.