ચેન્નાઈઃ ભારતની અવકાશ સંશોધન સંસ્થા – ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ (EOS-04) નામક દેશના રડાર ઈમેજિંગ સેટેલાઈટ RISAT-1Aને અવકાશમાં તરતો મૂકવા માટે PSLV-C52 રોકેટને સજ્જ કરવાની તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યું છે. સંસ્થાએ એ માટેનું કાઉન્ટડાઉન આજે વહેલી સવારથી શરૂ કરી દીધું છે. EOS-04 સેટેલાઈટને લઈને રોકેટ PSLV-C52 આવતીકાલે સવારે 5.59 વાગ્યે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત દેશના રોકેટ પોર્ટના લોન્ચ પેડ પરથી અવકાશમાં રવાના થશે. પોલર સેટેલાઈટ લોન્ચ વેહિકલ (PSLV) રોકેટમાં EOS-04ની સાથે બીજા બે નાના કદના સેટેલાઈટ્સ પણ મૂકાશે – INSPIREsat-1 અને INS-2TD. રોકેટ PSLV-C52 44.4 મીટર લાંબું અને 321 વજનનું છે. રોકેટમાં છ બૂસ્ટર મોટર છે. એમાં પ્રવાહી ફ્યુઅલ ભરવાની કામગીરી આજથી શરૂ કરી દેવામાં આવી છે. EOS-04 કૃત્રિમ ઉપગ્રહનું વજન 1,710 કિલોગ્રામ છે. રોકેટ તેને લઈને અવકાશ ભણી રવાના થશે અને સૂર્યની સિન્ક્રોનસ પોલર ભ્રમણ કક્ષામાં એને સ્થિર મૂકશે એ કામગીરી 17 મિનિટમાં પૂરી કરાશે. અન્ય બે નાના સેટેલાઈટ અનુક્રમે 17.5 કિ.ગ્રા. અને 8.1 કિ.ગ્રા. વજનના છે. સમગ્ર કામગીરી 18 મિનિટમાં પૂરી કરાશે.
EOS-04 સેટેલાઈટ તમામ પ્રકારના હવામાનની સ્થિતિઓને લગતી હાઈ-ક્વાલિટી તસવીરો ઈસરોસ્થિત વૈજ્ઞાનિકોને મોકલશે, જે કૃષિ ક્ષેત્ર, વન્ય-પ્લાન્ટેશન, જમીનમાં રહેલા ભેજ અને જળવિજ્ઞાન તથા પૂરની સ્થિતિના મેપિંગ (નકશા) તૈયાર કરવામાં ઉપયોગી થશે. આ સેટેલાઈટ દેશના સંરક્ષણ ક્ષેત્રી ક્ષમતા વધારવામાં પણ વ્યૂહાત્મક ભૂમિકા ભજવશે.