નવી દિલ્હી: દેશભરમાં જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે એ જોતા એવું લાગી રહ્યું છે કે, ફરીએક વખત લોકડાઉન લાગી શકે છે. અત્યારે અનલોકની પ્રક્રિયા ચાલી રહી છે, જે હેઠળ દેશમાં મોટાભાગની પ્રવૃતિ શરુ થઈ ગઈ છે. દેશભરમાં ફરીથી લોકડાઉન લાગૂ થવાની ચર્ચા વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, માત્ર કન્ટેનમેન્ટ ઝોનમાં કડક નિયમો કરવાની જરૂર છે. મંત્રાલયે કહ્યું કે, જે શહેરોમાં કોરોનાને ઓછા કેસ હતા ત્યાં પણ નરમ વલણને પગલે કેસ વધવા લાગ્યા છે.
મંત્રાલયે કહ્યું કે, દેશમાં કોરોના કેસોમાં દરરોજ થતા વધારામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ઓએસડી રાજેશ ભૂષણે કહ્યું કે, અત્યારે દેશમાં કોરોનાના 3,11,565 એક્ટિવ કેસ છે. જોકે, આરોગ્ય મંત્રાલયે દેશભરમાં ફરીથી લોકડાઉન લાગૂ કરવા અંગેના કોઈ સંકેત આપ્યા નથી. દેશના ઘણા શહેરોમાં મંગળવારથી ફરીથી લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે.
બિહાર સરકારે કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમા રાખીને લોકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો છે. બિહારના તમામ જિલ્લા મથક, પેટાવિભાગ અને બ્લોક મુખ્યાલયમાં 16થી 31 જુલાઈ સુધી લોકડાઉન રહેશે. આ દરમિયાન રેલવે અને વિમાન સેવા ચાલુ રહેશે પણ શોપિંગ મોલ, ધાર્મિક સ્થળો અને જાહેર પરિવહન બંધ રહેશે.
