ભ્રષ્ટ નેતાઓ માટે વોશિંગ મશીન છે  ભાજપ?

નવી દિલ્હીઃ ભાજપ એવું વોશિંગ મશીન છે, જ્યાં કોઈ પણ ભ્રષ્ટ નેતા પક્ષમાં સામેલ થાય તો તેની છબિ સાફસૂથરી બની જાય છે. વિપક્ષ એવું કહીને સત્તાધારી ભાજપ પર નિશાન સાધતો રહ્યો છે. વર્ષ 2014થી વિપક્ષના જે 25 નેતાઓ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ હતા, તેમાંથી 23ને ભાજપના પાલામાં આવવાથી રાહત મળી છે, એમાં 10 કોંગ્રેસી હતા, ચાર-ચાર NCP અને શિવસેનામાં હતા, ત્રણ TMCના હતા, બે TDPના હતા અને એક-એક SP અને YSRPમાં હતા.

લોકસભા ચૂંટણીમાં ભાજપે બીજી પાર્ટીમાંથી આવેલા કેટલાય ભ્રષ્ટ નેતાઓને ઉમેદવાર બનાવ્યા છે. નવીન જિંદાલની સામે CBI અને EDએ ચાર્જશીટ દાખલ કરી છે, પણ તેઓ માર્ચ, 2024માં ભાજપમાં આવ્યા અને થોડા દિવસોમાં પાર્ટીની ટિકિટ મેળવી હતી. આવું જ એક બીજું ઉદાહરણ ગીતા કોડાનું પણ છે, જે કોંગ્રેસથી ભાજપમાં આવતાં ઉમેદવાર બનાવવામાં આવ્યાં હતાં. તેમના પતિ મધુ કોડાની વિરુદ્ધ ભ્રષ્ટાચારના કેટલાક કેસ પેન્ડિંગ છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ પર તીખો હુમલો કરતાં એને ફુલી ઓટોમેટિક વોશિંગ મશીન બતાવ્યું હતું. ભાજપમાં આવ્યા પછી જે ભ્રષ્ટ નેતાઓની કાર્યવાહીમાં સુસ્તી દેખાડવામાં આવી, એમાં તાજું ઉદાહરણ કેજરીવાલનું છે, જેમાં લિકર કેસમાં તેમને મુખ્ય ષડયંત્રકાર બતાવવામાં આવ્યા અને હાલ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે, જ્યારે આસામના મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાથી વર્ષ 2014માં ભ્રષ્ટાચારના એક કેસમાં પૂછપરછ કરવામાં આવી હતી, તેઓ 2015માં ભાજપમાં સામેલ થયા, ત્યારથી તેમના પર કોઈ પગલાં નથી લેવામાં આવ્યાં.