શ્રીનગરઃ અહીંના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આજે બપોરે સદનસીબે એક મોટી દુર્ઘટના ટળી ગઈ. શ્રીનગરથી 233 પ્રવાસીઓ સાથેનું ઈન્ડિગોનું વિમાન દિલ્હી જવા માટે તૈયાર થઈ ગયું હતું, તે રનવે પર હતું, પરંતુ ટેક્સી-વેની બાજુમાં જ જમા થયેલા બરફના મોટા ઢગલા સાથે તે સહેજ અથડાતાં એનું ઉડ્ડયન અટકાવી દેવામાં આવ્યું હતું. તમામ પ્રવાસીઓને નીચે ઉતારી અન્ય વિમાન દ્વારા એમને દિલ્હી મોકલવામાં આવ્યા હતા.
વિમાનનું એન્જિન રનવે પર જમા થયેલા બરફના ઢગલા સાથે અથડાઈ પડ્યું હતું. પાઈલટે જ સમયસૂચકતા વાપરીને વિમાનને અટકાવી દીધું હતું. તરત જ એરપોર્ટ ખાતે હાજર અગ્નિશમન અને ઈમરજન્સી કર્મચારીઓ ત્યાં દોડી ગયા હતા અને એન્જિનને થયેલા નુકસાનની તપાસ શરૂ કરવામાં આવી હતી. છેલ્લા અમુક દિવસોમાં શ્રીનગરમાં ભારે હિમવર્ષા થઈ હતી. એને કારણે રનવે પર બરફના ઢગલા થઈ ગયા હતા. એરપોર્ટને અમુક દિવસો બંધ રાખવામાં આવ્યું હતું. બરફ હટાવ્યા બાદ જ તે ફરી શરૂ કરાયું છે.