સ્વદેશી ફાઇટર ‘તેજસ’ના 48,000-કરોડના સોદાને CCSની મંજૂરી

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદીની અધ્યક્ષતાવાળી CCSએ ભારતીય વાયુ સેનામાં સ્વદેશી ફાઇટર જેટ એલસીએ તેજસને મજબૂત કરવા માટે આશરે રૂ. 48,000 કરોડના સૌથી મોટા સ્વદેશી સંરક્ષણ ખરીદ સોદાને મંજૂરી આપી છે. આ સોદો ભારતીય સંરક્ષણ ક્ષેત્રે ઉત્પાદનમાં આત્મનિર્ભરતા માટે ગેમ ચેન્જર હશે. આ માહિતી સંરક્ષણપ્રધાને આપી હતી.  

CCSએ સોદો મંજૂર કર્યા બાદ HAL વર્ષ 2022 પહેલાં એલસીએ એમકે વન-એને વાયુ સેનાને સોંપી દેશે. વર્ષ 2029 સુધી બધા 83 વિમાનોને વાયુસેનાને સોંપવાનો ટાર્ગેટ છે. આ 83 વિમાનોથી વાયુ સેનાની કમસે કમ છ સ્ક્વોડ્રન બની જશે. એક સ્ક્વોડ્રનમાં 16-18 લડાકુ વિમાન હોય છે. 83 માર્ક વન-એ ફાઇટર જેટ જૂના સોદાવાળા માર્ક વનથી એડવાન્સ અને ઘાતક અને ખતરનાક છે.  ગયા વર્ષે માર્ચમાં સંરક્ષણપ્રધાનની અધ્યક્ષતામાં ડિફેન્સ પ્રોક્યુરમેન્ટ કાઉન્સિલે મેક ઇન ઇન્ડિયા હેઠળ 83 વધારાના લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) તેજસ માર્ક વન-એ ખરીદવાને મંજૂરી આપી હતી.

તેજસ ભારતીય વાયુસેનાની કરોડરજ્જુ સાબિત થશે, કેમ કે તેજસ બનાવતી સરકારી કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ.ની સાથે સંરક્ષણ મંત્રાલયે વર્ષ 2016માં 40 તેજસ વિમાનોનો સોદો કર્યો હતો, જેમાંથી 18 તેજસ વિમાનો વાયુ સેનાને મળી ચૂક્યા છે અને તામિલનાડુના સુલુર એરબેસ પર ફ્લાઇંગ ડેગર સ્ક્વોડ્ર્નમાં તહેનાત છે.