-તો બિલ્ડરોએ ગ્રાહકોને વ્યાજ-સાથે-વળતર ચૂકવવું પડશેઃ SC

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વનો નિર્ણય લઈને બિલ્ડરો પરની પકડને વધારે મજબૂત બનાવી છે. ન્યાયમૂર્તિઓ ઉદય ઉમેશ લલિત અને ઈન્દુ મલ્હોત્રાની બેન્ચે તેના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે ફ્લેટ-ઘર માટે બિલ્ડર દ્વારા એકતરફી એગ્રીમેન્ટ કે એમની મનમાની હવે નહીં ચાલે, કારણ કે ઘર ખરીદનાર ગ્રાહક જ્યારે ઈન્સ્ટોલમેન્ટ કે બાકી રહેલી રકમ ચૂકવી નથી શકતો ત્યારે બિલ્ડર એને દંડ ફટકારે છે કે જેથી એ રકમ ચૂકવી દે, તો પછી બિલ્ડર જ્યારે એગ્રીમેન્ટ અનુસાર ઘર કે ફ્લેટનો કબજો ગ્રાહકને સમયસર ન આપે તો એને કેમ દંડ ન ફટકારાય?

સુપ્રીમ કોર્ટનાએ ઠેરવ્યું છે કે ફ્લેટ ખરીદનારાઓ એમને ફ્લેટની સોંપણી કરવામાં વિલંબ થાય કે વચન અપાયા મુજબની સવલતો-સગવડો (એમીનિટીઝ) પૂરી પાડવામાં ન આવે તો બિલ્ડર-ડેવલપર પાસેથી વ્યાજ સાથે વળતર મેળવવાને તેઓ હકદાર બને છે. સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપીને ફ્લેટ ખરીદનારાઓને હકદાર ન બનાવનાર નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રીડ્રેસલ કમિશનના ચુકાદાને રદબાતલ જાહેર કર્યો છે.