26-જાન્યુઆરીએ ખેડૂતો ટ્રેક્ટર-પરેડ દિલ્હીના સીમાડે યોજશે, અંદર નહીં

નવી દિલ્હીઃ ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોના આગેવાન બલબીર સિંહ રજેવાલે આજે કહ્યું છે કે આવતી 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસે ખેડૂતોની સૂચિત ટ્રેક્ટર પરેડ રાષ્ટ્રીય પાટનગર દિલ્હીની સીમા વિસ્તારો પર યોજાશે, શહેરની અંદરના ભાગમાં નહીં.

અગાઉ સોશિયલ મિડિયા પર એવી અફવા ફેલાઈ હતી કે ખેડૂતો એમના ટ્રેક્ટરો સાથે રાજપથ પર પરેડ કરશે, પરંતુ રજેવાલે સ્પષ્ટતા કરી છે કે ખેડૂતો શાંતિ અને કોમી એખલાસ જાળવશે અને હવે પછી કોઈએ ખોટી અફવા ફેલાવવી નહીં. અમે ટ્રેક્ટર પરેડ યોજીશું અને તેની વિગતોને 16 જાન્યુઆરીએ આખરી ઓપ આપીશું.