નવી દિલ્હીઃ રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે આજે જાહેરાત કરી છે કે દેશમાં પર્યટન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે સરકાર 180 ‘ભારત ગૌરવ’ ટ્રેનો શરૂ કરવા ધારે છે. આ હેતુ માટે રેલવે તંત્રએ 3,033 ડબ્બાઓને અલગ તારવી દીધા છે. આમાંથી 150 જેટલી ટ્રેનો બનાવી શકાશે. આ નવી ટ્રેન સેવાઓ શરૂ કરવાની કામગીરી હાથ ધરવા માટે અરજીઓ મગાવી છે.
વૈષ્ણવે વધુમાં કહ્યું કે અરજીઓ માટે સારો પ્રતિસાદ મળ્યો છે. કામગીરી મેળવનારાઓ ડબ્બાઓમાં સુધારા-વધારા કરશે અને ટ્રેનોને દોડાવશે. રેલવે ટ્રેનોની સંભાળ રાખવા, પાર્કિંગ સુવિધા પૂરી પાડવા તથા અન્ય સુવિધાઓ પૂરી પાડવા માટે મદદ કરશે. પ્રાઈવેટ ટુર ઓપરેટરો આ ટ્રેનોને રેલવે તંત્ર પાસેથી લીઝ પર લઈ શકશે અને વિશેષ રૂપે ટૂરિઝમ સર્કિટ પર એમને મનપસંદ રૂટ પર એને દોડાવી શકશે. એ માટે તેઓ પોતાની રીતે ભાડું નક્કી કરી શકશે. કોઈ પણ સામાજિક મેળાવડા-સંમેલન માટે પણ રેલવેતંત્ર આખી ટ્રેન ભાડેથી આપશે. એ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને રૂ. એક લાખની વન-ટાઈમ ફી ચૂકવવાની રહેશે. અમુક શરતો રહેશે, જેમ કે ઓપરેટરે પ્રવાસીઓ માટે સાઈટસીઈંગની વ્યવસ્થા કરવાની રહેશે, તદુપરાંત એમના ભોજનની વ્યવસ્થા, સ્થાનિક પરિવહન વ્યવસ્થા, રોકાણના સ્થળોએ પ્રવાસીઓના રહેવાની વ્યવસ્થા, ટ્રેનસફર દરમિયાન મનોરંજન તથા એવી અન્ય બાબતોની વ્યવસ્થા કરવાની રહેશે. રેલવે તંત્ર સાથે આ માટે બે વર્ષથી લઈને 10 વર્ષ સુધીનો કરાર કરી શકાશે. ઓપરેટરે પ્રત્યેક ટ્રેન દીઠ રૂ. 1 કરોડની સેફ્ટી ડિપોઝીટ આપવાની રહેશે. ટ્રેન 14-20 ડબ્બાની તૈયાર કરી શકાશે. એમાં બે ગાર્ડ વાન પણ હશે. ‘ભારત ગૌરવ’ ટ્રેનો દેશનાં તથા દુનિયાના દેશોનાં લોકોને ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને અદ્દભુત ઐતિહાસિક સ્થળોનું દર્શન કરાવશે.