રિક્ષાનું રાજકારણઃ કેજરીવાલે પાર્ટીના કાર્યકર્તાના ઘરે ડિનર કર્યું

લુધિયાણાઃ પંજાબમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે પંજાબમાં સત્તા મેળવવા માટે રાજકારણીઓ અવનવા દાવ અજમાવી રહ્યા છે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ હાલ પંજાબના બે દિવસની મુલાકાતે છે. તેમને સોમવારે એક રિક્ષાચાલક પાસેથી આમંત્રણ મળ્યું હતું. તેમણે તેમનું વચન નિભાવતાં લુધિયાણામાં રિક્ષાચાલક અને તેના પરિવાર સાથે ડિનર કર્યું હતું. જોકે કેજરીવાલનું રાજકારણ હવે સામે આવ્યું છે. જેમાં જે રિક્ષાચાલકે તેમને રાત્રિ-ભોજન માટે આમંત્રણ આપ્યું હતું, એ આમ આદમી પાર્ટી (AAP)ના કાર્યકર્તાના ભાઈ છે.

AAPની પંજાબ શાખાએ લુધિયાણાના પંજાબી ભવનમાં કેજરીવાલની ટેક્સી-ઓટો યુનિયન સાથે મીટિંગ રાખી હતી. આ મીટિંગમાં રિક્ષાચાલક દિલીપકુમાર તિવારીએ કેજરીવાલને કહ્યું હતું કે સર, તમે ઓટો સંચાલકો માટે ઘણુંબધું કરી રહ્યા છો. હું ઇચ્છું છું કે તમે મારા ઘરે જમવા આવો. એના પર કેજરીવાલે કહ્યું હતું કે આજે રાત્રે જ આવું? ભગવંત માન અને હરપાલ સિંહ ચીમાને લઈને આવું?  એના વળતા જવાબમાં દિલીપે કહ્યું હતું કે બિલકુલ. હું તમને મારી રિક્ષામાં લઈ જવા ઇચ્છું છું.

કેજરીવાલને ડિનર પર આમંત્રણ કરનાર દિલીપકુમાર ઉત્તર પ્રદેશના બારાબંકીનો રહેવાસી ને આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છે. દિલીપ પાર્ટીના આવા કાર્યક્રમોમાં જતો હોય છે.

જોકે કેજરીવાલે આ ઓટો પોલિટિક્સની સાચી વાત ત્યારે સામે આવી, જ્યારે રિક્ષાચાલક દિલીપના ઘરથી બહાર નીકળતાં ડિનરની પ્રશંસા કરી હતી. તેમણે દિલીપની સાથે ફોટો પણ પડાવ્યો હતો.

કેજરીવાલે કહ્યું હતું કે રિક્ષાચાલકની વાત તેમના દિલમાં વસી, જેથી તેમણે તરત તેમનું નિમંત્રણનો સ્વીકાર કરી લીધો. પંજાબમાં AAPની સરકાર બનશે તો ઓટો, ટેક્સીચાલકોની સમસ્યાઓને દૂર કરવામાં આવશે.  કેજરીવાલે અપીલ કરી હતી કે પંજાબમાં રિક્ષાવાળા તેમની ગાડીમાં આમ આદમી પાર્ટીનાં પોસ્ટર લગાવી લે.