નવી દિલ્હીઃ સેજીસ ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ લાઈબ્રેરી એસોસિએશન્સ એન્ડ ઈન્સ્ટિટ્યૂશન્સ પત્રિકામાં કોરોનાવાઈરસ વિશે ગેરમાહિતીની સમીક્ષા વિષય પર હાથ ધરવામાં આવેલા એક અભ્યાસનું તારણ રજૂ કરવામાં આવ્યું છે. આ અભ્યાસ પરથી એવું માલુમ પડ્યું છે કે કોવિડ-19 મહામારી અંગે સોશિયલ મિડિયા પર ગેરમાહિતીના ફેલાવાનું મૂળ ભારત દેશ રહ્યો છે. અભ્યાસમાં વધુમાં જણાવાયું છે કે ભારતમાં ઈન્ટરનેટ વપરાશનું ઊંચું પ્રમાણ, સોશિયલ મિડિયાનો વધી રહેલો ઉપયોગ તથા યૂઝર્સમાં ઈન્ટરનેટના જ્ઞાનનો અભાવ – ગેરમાહિતી, ખોટી, ભૂલભરેલી માહિતીના ફેલાવામાં ભારતને નંબર-વન બનાવવા માટે કારણરૂપ છે. ભારત પછીના નંબરે અમેરિકા, બ્રાઝિલ અને સ્પેન આવે છે. દુનિયામાં આ ચાર દેશ કોરોના વિશે ગેરમાહિતીથી સૌથી વધારે અસરગ્રસ્ત છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ ચેતવણી આપી જ છે કે કોવિડ-19 અંગે ખોટી માહિતી ફેલાવવાથી લોકો જોખમમાં મૂકાય છે. સંસ્થાએ દુનિયાભરનાં લોકોને વિનંતી કરી છે કે તેઓ જે કંઈ વાત સાંભળે એને વિશ્વસનીય સૂત્રો સાથે બે વખત ચેક કરી લેવું જોઈએ.