નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્યોની આતંકવાદ-વિરોધી વિશેષ બેઠકનું યજમાન ભારત બનશે. 15-દેશોની સુરક્ષા પરિષદના રાજદૂતોની તે બેઠક આ વર્ષની 29 ઓક્ટોબરે રાષ્ટ્રીય પાટનગર નવી દિલ્હીમાં યોજવામાં આવશે.
યૂએન સિક્યુરિટી કાઉન્સિલમાં ભારત બે વર્ષની મુદત માટે બિન-કાયમી સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યું છે. મુદતનો હાલ બીજા વર્ષનો મધ્ય ભાગ ચાલી રહ્યો છે. પરિષદમાં ભારતની મુદત આ વર્ષના ડિસેમ્બરમાં પૂરી થશે.
ભારતને સુરક્ષા પરિષદની આતંકવાદ-વિરોધી સમિતિનું વર્ષ 2022 માટે અધ્યક્ષપદ ભારતને આપવામાં આવ્યું છે. તેથી અમેરિકા, ચીન અને રશિયા સહિત 15-દેશોની સુરક્ષા પરિષદના રાજદૂતોની વિશેષ બેઠકનું આયોજન ભારત કરશે. આ પરિષદના વર્તમાન સભ્યો છેઃ ભારત, આલ્બેનિયા, બ્રાઝિલ, ગેબોન, ઘાના, આયરલેન્ડ, કેન્યા, મેક્સિકો, નોર્વે અને યૂએઈ. પાંચ કાયમી સભ્યો છેઃ અમેરિકા, ચીન, ફ્રાન્સ, રશિયા અને બ્રિટન.
યૂએન સુરક્ષા પરિષદની વિશેષ બેઠક સામાન્ય રીતે અમેરિકામાં યોજાય છે. અત્યાર સુધી માત્ર સાત વખત જ તે અમેરિકાની બહાર યોજાઈ છે. છેલ્લે, 2015ના જુલાઈમાં તે સ્પેનના મેડ્રિડમાં યોજાઈ હતી. આમ, સાત વર્ષ બાદ ફરી અમેરિકાની બહાર, ભારતમાં યોજાશે.