નવી દિલ્હીઃ કોમોરોસ દેશના પ્રમુખ અને આફ્રિકન યૂનિયન (એયૂ)ના અધ્યક્ષ એઝાલી એસમાનીએ કહ્યું છે કે વસ્તીની દ્રષ્ટિએ ભારત મહાસત્તા છે અને તે હવે ચીનથી આગળ છે. વિશ્વમાં ભારત પાંચમી મહાસત્તા બન્યો છે અને આફ્રિકા સાથે વ્યવહાર કરવાનો ભારત માટે ઘણો અવકાશ છે. આપણે સૌ જાણીએ છીએ કે ભારત એટલો બધો શક્તિશાળી દેશ છે કે એણે અવકાશ ક્ષેત્રે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તેથી આપણે ભારત સાથે સંકલન કરવાની જરૂર છે.
આફ્રિકન યૂનિયનને G20 સમૂહમાં વિધિવત્ સામેલ કરાયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એસમાનીને ભેટીને અભિનંદન આપ્યા હતા. આફ્રિકન યૂનિયન આફ્રિકા ખંડના 55 સભ્ય દેશોનો સંઘ છે. આફ્રિકન યૂનિયનને G20 સમૂહમાં સામેલ કરવાનો પ્રસ્તાવ વડા પ્રધાન મોદીએ આ વર્ષના જૂન મહિનામાં રજૂ કર્યો હતો.
એસમાની ત્રણ ટાપુના બનેલા સ્વતંત્ર દેશ કોમોરોસ અથવા યૂનિયન ઓફ ધ કોમોરોસના પ્રમુખ છે. આ દેશ આફ્રિકા ખંડમાં પૂર્વ ભાગમાં આવેલો છે. એના પાટનગરનું નામ મોરોની છે. આ દેશના બહુમતી લોકો સુન્ની ઈસ્લામ ધર્મ પાળે છે. 1975માં આ દેશે ફ્રાન્સ પાસેથી આઝાદી મેળવી હતી.