ભારત પર હમાસ જેવા હુમલાની ભીતિ છેઃ ગુપ્તચર વિભાગનો અહેવાલ

મુંબઈઃ ગાઝા સ્ટ્રીપ પર અંકુશ ધરાવતા હમાસ ઉગ્રવાદી જૂથે ઈઝરાયલ પર ઓચિંતો હુમલો કર્યા બાદ બંને વચ્ચે ભીષણ યુદ્ધ ફાટી નીકળ્યું છે. એને કારણે આખી દુનિયામાં ખળભળાટ મચી ગયો છે. હવે હમાસ જેવા સંકલિત હુમલા ભારતમાં પણ થવાનું જોખમ છે એવું ઈન્ટેલિજન્સ બ્યૂરો (IB)ના અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે. ‘ફ્રી પ્રેસ’ અખબારના અહેવાલ મુજબ, ગુપ્તચર વિભાગની આ ચેતવણીને પગલે ભારત સરકારે તેની સુરક્ષા સંસ્થાઓને હાઈ એલર્ટ પર મૂકી દીધી છે અને વૈશ્વિક આતંકવાદી ગ્રુપ, આંતરિક આતંકવાદી સંગઠનો અને ભાગલાવાદી જૂથો તરફથી સંભવિત ધમકીઓ પર ચાંપતી દેખરેખ રાખી રહી છે.

ગુપ્તચર વિભાગે પેલેસ્ટિનીયન લોકો માટે સમર્થન વ્યક્ત કરનાર કશ્મીરસ્થિત ઉગ્રવાદી જૂથો અને આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન ISIS ની શંકાસ્પદ પ્રવૃત્તિઓને ઓળખી કાઢી છે. આતંકવાદીઓ મુંબઈ, દિલ્હી, કોલકાતા જેવા મહાનગરોમાં રેલવે લાઈન, એરપોર્ટ રનવે, મેટ્રો ટ્રેક્સ સહિત મહત્ત્વના માળખાગત સ્થાનો પર ભાંગફોડ, હુમલા કરવાની પેરવી કરી રહ્યા છે. દેશના જે રાજકીય નેતાઓએ હમાસને આતંકવાદી સંગઠન તરીકે ઓળખાવી વખોડી કાઢ્યું છે તેઓ પર ઈસ્લામી કટ્ટરવાદીઓના નિશાના પર છે.

ગુપ્તચર વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, લશ્કર-એ-તૈબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા વિદેશી આતંકવાદી સંગઠનો સાથે સંપર્ક ધરાવનાર ફરાર આતંકવાદી ફરહતુલ્લાહ ઘૌરી હમાસ-ઈઝરાયલ વચ્ચેના યુદ્ધને ધર્મની લડાઈ તરીકે ગણાવીને ભારતમાં કોમી લાગણી ભડકાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. એવી જ રીતે, વિદેશમાં સક્રિય ખાલિસ્તાની સંગઠન શીખ્સ ફોર જસ્ટિસ ગ્રુપ પણ ભારતમાં હમાસ ટાઈપના હુમલા કરાવે એવો ખતરો છે. ગુપ્તચર એજન્સીએ એવી માહિતી આપી છે કે તાજેતરમાં કેરળના કોચી શહેરમાં યેહોવા વિટનેસ કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવેલા શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા કથિતપણે ખ્રિસ્તીઓના એક આતંકવાદી સંગઠને કરાવ્યા હતા. આ સંગઠન યહૂદીઓ અને ખ્રિસ્તીઓનું સમર્થક છે.

ગુપ્તચર વિભાગ વહાદત-એ-ઈસ્લામી, સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા, જમાઈત ઉલેમા-એ-હિંદ, ઈનડો-પેલેસ્ટાઈન સોલિડારિટી ફોરમ, જમાત-એ-ઈસ્લામી હિંદ જેવા સંગઠનોની હિલચાલ, પ્રવૃત્તિઓ ઉપર પણ ચાંપતી નજર રાખી રહ્યું છે. આ સંગઠનોએ હમાસને આતંકવાદી સંગઠન ગણાવવા સામે અને ભારત સરકારે હાલ ચાલી રહેલા યુદ્ધમાં ઈઝરાયલનો પક્ષ લીધો છે એની સામે વાંધો ઉઠાવ્યો છે.