ભારત ત્રાસવાદ-મુક્ત ક્ષેત્રમાં શાંતિ ઈચ્છે છેઃ મોદી (શાહબાઝ-શરીફને)

નવી દિલ્હીઃ શાહબાઝ શરીફને પાકિસ્તાનના નવા 23મા વડા પ્રધાન તરીકે ચૂંટાઈ આવવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મિડિયા મારફત એમને શુભેચ્છા આપી છે અને ટ્વીટમાં સ્પષ્ટપણે જણાવી દીધું છે કે ત્રાસવાદ-મુક્ત ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જળવાય એવું ભારત ઈચ્છે છે જેથી બંને દેશ પોતપોતાનાં વિકાસલક્ષી પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે.

પાકિસ્તાન સંસદના રાષ્ટ્રીય ધારાસભા ગૃહમાં 174 સંસદસભ્યોના ટેકા સાથે દેશના નવા વડા પ્રધાન બનેલા પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ)ના પ્રમુખ શાહબાઝ શરીફે ગઈ કાલે વડા પ્રધાન બન્યા બાદ તરત જ કશ્મીર અંગે નિવેદન કર્યું હતું અને કશ્મીરમાં ભારતીય બંધારણની 370મી કલમની નાબૂદીનો મુદ્દો ઉઠાવ્યો હતો. એમણે એવો આક્ષેપ કર્યો હતો કે કશ્મીર ખીણક્ષેત્રમાં લોકો લોહીલુહાણ હાલતમાં છે અને પાકિસ્તાન પ્રત્યેક આંતરરાષ્ટ્રીય મંચ પર આ મુદ્દો ઉઠાવીને કશ્મીરનાં લોકોને રાજદ્વારી તથા નૈતિક ટેકો આપશે. હું ભારત સાથા સારા સંબંધો ઈચ્છું છું, પણ કશ્મીર મુદ્દો ઉકેલાયા વિના તે હાંસલ કરી શકાય એમ નથી. ભારત સરકારે 2019ના ઓગસ્ટમાં બંધારણની 370મી કલમ રદ કરી ત્યારે ઈમરાન ખાને એની વિરુદ્ધમાં કોઈ ગંભીર અને રાજદ્વારી પ્રયાસો કર્યા નહોતા.