લોકસભામાં વિપક્ષે બજેટને ભેદભાવપૂર્ણ ગણાવતાં કર્યો હંગામો

નવી દિલ્હીઃ મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પહેલા બજેટને લઈને વિપક્ષે સરકાર પર હુમલો કર્યો હતો. આ સામાન્ય બજેટ વિપક્ષને ખાસ પસંદ નથી આવ્યું. બજેટમાં વિપક્ષ શાસિત રાજ્યોની વિરુદ્ધ ભેદભાવનો આરોપ લગાવી રહ્યો છે. લોકસભામાં વિપક્ષના સાંસદો જોરદાર હંગામો કરી રહ્યા છે. નાણાપ્રધાન જ્યારે બોલી રહ્યાં હતાં, એ સમયે સાંસદોએ સંસદમાંથી વોકઆઉટ કરીને ચાલ્યા ગયા હતા.

ઇન્ડિયા ગઠબંધનના નેતા બજેટને લઈને સંસદ ભવનની બહાર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, સપાઅધ્યક્ષ અખિલેશ યાદવ સહિત તમામ વિપક્ષી નેતાઓ હાજર છે. આ નેતાઓ હાથોમાં બેનર લઈને પોતપોતાનાં રાજ્યો માટે બજેટમાં હિસ્સો માગી રહ્યા છે. રાહુલ ગાંધી કહી રહ્યા છે કે આ સરકારનું ખુરશી બચાવો બજેટ છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું હતું આ છળકપટવાળું બજેટ છે, એ અન્યાય છે, અમે એની વિરુદ્ધ પ્રદર્શન કરીશું. જ્યારે કોંગ્રેસ સાંસદ પ્રમોદ તિવારીએ કહ્યું હતું કે આ બજેટ ભારત સરકારનું નથી લાગતું. આ બજેટમાં ફેડરલ માળખું તોડવામાં આવ્યું છે. વિપક્ષી દળો માત્ર દરેક જણને ખુશ કરવા માટે છે.

વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદંબરમે કહ્યું હતું કે બે આવકવેરા વ્યવસ્થા રાખવી એ એક ખરાબ વિચાર છે, કેમ કે એનાથી કર વિવાદ પેદા થઈ શકે છે અને કરદાતાઓની વચ્ચે ભ્રમ પેદા થઈ શકે છે કે તેઓ કઈ વ્યવસ્થાનો ઉપયોગ કરે.

કર્ણાટકના CM સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે બજેટમાં ભારત સરકારે અમારી વિનંતી પર વિચાર નથી કર્યો. એ વિનંતી અમે બજેટથી પહેલાં ચર્ચા દરમ્યાન કરી હતી.