નવી દિલ્હી: આવક વેરા વિભાગે પહેલી વખત કોઇ રાજકીય પાર્ટીના ખજાનચીને ધનસંગ્રહના મામલે નોટિસ પાઠવી છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને સમન્સ મોકલ્યા બાદ ઇન્કમટેક્સ વિભાગે કોંગ્રેસના કોષાધ્યક્ષ અહેમદ પટેલને કથિત રીતે જાહેર અઘોષિત પાર્ટી સંગ્રહ અને ચૂંટણી ખર્ચ માટે 550 કરોડ રૂપિયાથી વધારે ધનરાશિ મામલે નોટિસ પાઠવી છે. 2 એપ્રિલ 2019ના રોજ આવકવેરા વિભાગે મધ્ય પ્રદેશના કેટલાંક સ્થળો સહિત 52 જગ્યા પર દરોડા પાડ્યાં હતા. ત્યારબાદ ઓક્ટોબર 2019 અને ફેબ્રુઆરી 2020માં હૈદરાબાદ, વિજયવાડા અને અન્ય જગ્યા પર દરોડાની કાર્યવાહી કરી હતી. આ દરોડા પછી આ સમન્સ જારી કરવામાં આવ્યું છે.
એપ્રિલ 2019 અને ઓક્ટોબર 2019ના દરોડામાં અલગ અલગ શહેરોમાં કોંગ્રેસના છ નેતાઓના ઠેકાણાઓ પર તપાસ કરવામાં આવી હતી. 6 ફેબ્રુઆરી, 2020ના રોજ 40 સ્થળોની તપાસ કરવામાં આવી, જેમાં સૌથી વધારે ઇન્ફ્રાસ્ટ્રકચર કંપની મેઘા એન્જિનિયરીંગ ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ સાથે જોડાયેલ હતી. 11 ફેબ્રુઆરીના રોજ અહેમદ પટેલને તેમની વ્યક્તિગત હાજરીને લઇને સમન્સ પાઠવવામાં આવ્યું. જેમાં તેમને 14 ફેબ્રુઆરીએ હાજર રહેવા જણાવામાં આવ્યું હતું. અહેમદ પટેલને બીજુ સમન્સ પાઠવવામાં આવ્યું છે.
અહેમદ પટેલે સમન્સ અંગે પુષ્ટિ કરતાં જણાવ્યું કે તેઓ બિમાર છે અને સંસદીય કાર્યોમાં વ્યસ્ત છે. જ્યારે બે માંથી એક સમન્સ તેમના સાંસદવાળા ઈમેલમાં મોકલવામાં આવ્યું હતું. અહેમદ પટેલે જણાવ્યું કે આ પ્રકારનું ફંડ દરેક રાજકીય પક્ષને મળે છે અને જલ્દી જ સંસદના સત્ર બાદ સમન્સનો જવાબ પાઠવીશ.