બેથી વધુ બાળકોવાળા પરિવાર માટે કડક નિયમો બનાવશે UP સરકાર

લખનૌઃ શું તમે ઉત્તર પ્રદેશમાં રહો છો. શું તમને બેથી વધારે બાળકો છે? તો સમારા માટે આ નકારાત્મક સમાચાર છે. યુપીની યોગી આદિત્યનાથ સરકાર બેથી વધુ બાળકોવાળી વ્યક્તિ માટે આકરા નિયમો બનાવી રહી છે. આવી વ્યક્તિઓને સામાજિક કલ્યાણ યોજનાઓ અને પંચાયતની ચૂંટણીમાં ભાગ લેવા પર પાબંદી લાગે એવી સંભાવના છે. રાજ્ય સરકાર એક નવી જનસંખ્યા નીતિ બનાવી રહી છે, જેમાં આવી જોગવાઈ કરવામાં આવે શક્યતા છે.

આરોગ્યપ્રધાન જય પ્રતાપ સિંહે બુધવારે કહ્યું હતું કે નવી નીતિઓ જલદી જાહેર કરવામાં આવશે. તેમણે કહ્યું કે અન્ય રાજ્યોની જનસંખ્યા નીતિઓનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે અને એમાંથી જે સૌથી સારી નીતિ હશે એને લાવવામાં આવશે અને દેશની સૌથી વસતિ ધરાવતા રાજ્યમાં લાગુ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે નિષ્ણાતોના એક જૂથ દ્વારા એક ડ્રાફ્ટ નીતિનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આ પહેલાં 2000માં જનસંખ્યા નીતિની સમીક્ષા કરવામાં આવી હતી.

સામાજિક સુરક્ષા યોજનાઓમાંથી બાકાત રાખવા પર વિચાર

નિષ્ણાતોની સમિતિમાં સભ્ય પરિવાર કલ્યાણ મહાનિર્દેશક ડોક્ટર બદરી વિસાલે કહ્યું હતું કે દક્ષિણ ભારતનાં રાજ્યો જનસંખ્યા નિયંત્રણ કરવામાં સફળ થયાં છે. જોકે ઉત્તર પ્રદેશ હજી પણ આ દિશામાં સંઘર્ષ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે અમારાથી વસતિ ઓછી ધરાવતાં રાજ્યો રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં જે લોકોનાં વધુ બાળકો છે, એમણે સુવિધાઓ આપવાની ઓછી કરી દીધી છે. આ રાજ્યોમાં જે લોકોના બેથી વધારે બાળકો છે, તેમને પંચાયત ચૂંટણી લડવા માટે અનુમતિ નથી. અમે આ નીતિ અપનાવવાનો પ્રસ્તાવ આપ્યો છે.સૂત્રો અનુસાર જે લોકોના બેથી વધુ બાળકો છે, તેમને સામાજિક સુરક્ષા યોજનાઓથી વંચિત કરવાના પ્રસ્તાવ પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.