કેબિનેટ બેઠકમાં સરકારે કર્મચારીઓને આપી દિવાળી ગિફ્ટ

નવી દિલ્હીઃ તહેવારોની સીઝનમાં કેન્દ્રની મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી ભેટ આપી છે. કેન્દ્રએ મોંઘવારી ભથ્થા (DA)માં ત્રણ ટકાના વધારાને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. પહેલી જુલાઈ, 2024થી આ મોંઘવારી ભથ્થું લાગુ થવાની શક્યતા છે.  જેથી કર્મચારીઓનું DA વધીને 53 ટકા થશે.

સરકારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી છે. સરકારની આજની કેબિનેટ બેઠકમાં આ નિર્ણયથી 49.18 લાખ કેન્દ્રીય કર્મચારીઓને અને 67.95 લાખ પેન્શનર્સને સીધો લાભ થશે.

લગભગ એક કરોડ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો કેન્દ્ર સરકાર તરફથી આ મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ જોઈ રહ્યા હતો. એવું માનવામાં આવતું હતું કે સરકાર નવરાત્રિમાં કેબિનેટ બેઠકમાં આ અંગે નિર્ણય લેવાની હતી.. જોકે છેલ્લી કેબિનેટ બ્રીફિંગમાં તેની જાહેરાત કરવામાં આવી ન હતી. જેને IT પ્રધાન અશ્વિની વૈષ્ણને સંબોધિત કરી હતી.

કેન્દ્રીય કર્મચારીઓને DA અને પેન્શનરોને DR મળે છે. હાલમાં, DA મૂળ પગારના 50 ટકા છે. તેમાં છેલ્લે માર્ચ, 2024માં વધારો કરવામાં આવ્યો હતો. તેમાં ચાર ટકાનો વધારો થયો હતો. આ વધારો જાન્યુઆરી, 2024થી અમલમાં આવ્યો છે. ઘણા સમયથી DAમાં કોઈ વધારો થયો નથી. હાલ એવું માનવામાં આવે છે કે સરકાર તહેવારો પહેલાં તેમાં વધારો કરી શકે છે. DA વધારવાની જાહેરાત કન્ઝ્યુમર પ્રાઈસ ઇન્ડેક્સના આધારે નક્કી કરવામાં આવે છે. જે અલગ-અલગ ક્ષેત્રોમાં રિટેલ કિંમતોમાં ફેરફારને આધારે તૈયાર થાય છે.