ચૂંટણીની દ્રષ્ટિએ મોદી સરકારના બજેટની મહત્ત્વની જાહેરાતો

નવી દિલ્હીઃ નાણા મંત્રી નિર્મલા સીતારામને સંસદમાં બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં આશ્ચર્ય કરવા જેવી કોઈ વાત નથી. દેશમાં આ વર્ષે લોકસભા ચૂંટણી થવાની છે અને એની થોડી તૈયારી આ બજેટમાં દેખાય છે. નાણા મંત્રીએ બજેટમાં કરેલા એલાન મુજબ આગલા નાણાકીય વર્ષમાં કેપિટલ એક્સપેન્ડિચર માટે રૂ. 11.1 લાખ કરોડનું લક્ષ્ય રાખ્યું છે, જે GDPના 3.5 ટકા હશે. એ સાથે રાજ્યોના વિકાસ માટે રૂ.. 75,000 કરોડની વ્યાજમુક્ત લોન આપવામાં આવશે.  

નાણાં મંત્રી નિર્મલા સીતારામને ચાર સોશિયલ ગ્રુપોને ધ્યાનમાં રાખતાં બજેટ રજૂ કર્યું છે- મહિલા, ગરીબ, ખેડૂત અને યુવા. પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ હેઠળ બે કરોડથી વધુ ઘર બનાવવામાં આવશે. આ સાથે બધી આશા અને આંગનવાડી કાર્યકર્તાઓને આયુષ્માન ભારત હેલ્થકેર યોજનાનો લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચમાં નોંધપાત્ર વધારો કરવાની ઘોષણા કરવામાં આવી છે.

નાણાં મંત્રીએ કહ્યું હતું કે ચૂંટણી પછી સંપૂર્ણ બજેટમાં વિસ્તારથી વિકસિત ભારતનો રોડમેપ તૈયાર કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે શિક્ષણ ક્ષેત્રે ઘણા મોટા ફેરફારો થયા છે. આ પ્રસંગે ઘણી સિદ્ધિઓ વિશે વાત કરવામાં આવી હતી. તેમાં મુખ્યત્વે 3000 નવી ITI ની સ્થાપના અને સ્કિલ ઈન્ડિયા હેઠળ 1.8 કરોડ યુવાનોને આપવામાં આવતી તાલીમનો સમાવેશ થાય છે. આ સિવાય 54 લાખ ઉમેદવારો રિ-સ્કિલ્ડ અને અપ-સ્કિલ્ડ કરવામાં આવ્યા હતા.

તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા ગરીબોને સતત ઘર આપવામાં આવી રહ્યા છે. નાણાં મંત્રીએ કહ્યું કે અમે 3 કરોડ ઘરોના લક્ષ્યને હાંસલ કરવાની નજીક છીએ. આગામી 5 વર્ષમાં 2 કરોડ લોકોને વધુ મકાનો મળશે. સોલાર પેનલ દ્વારા 1 કરોડ ગરીબ લોકોનાં ઘરોમાં 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે.