આઈઆઈએમ સંબલપુરે બનાવ્યો અનોખો રેકોર્ડ

નવી દિલ્હીઃ આઈઆઈએમ સંબલપુરે પોતાની સ્થાપના પછી 100 ટકા પ્લેસમેન્ટ હાંસલ કરવાનો અનોખો રેકોર્ડ બનાવ્યો છે. સંસ્થાએ તાજેતરમાં જ પોતાની એમબીએ બેચ (2021-23) માટે વાર્ષિક 64.61 લાખ (ડોમેસ્ટિક) અને વાર્ષિક રૂ. 64.15 લાખ (ઈન્ટરનેશનલ)ના સર્વોચ્ચ પેકેજ સાથે 100 ટકા પ્લેસમેન્ટ હાંસલ કર્યું છે.

ભારત સરકાર દ્વારા 2015માં સ્થાપિત આઈઆઈએમ સંબલપુરે ઔદ્યોગિક માનસિકતા સાથે જવાબદારીપૂર્ણ અગ્રણી વિદ્યાર્થીઓને તૈયાર કરવાનો નિરંતર પ્રયાસ કર્યો છે. સંસ્થાનમાં સુસજ્જિત ડિજિટલ અને સ્માર્ટ ક્લાસીસ દ્વારા ઉચ્ચ કક્ષાનું શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. આના પરિણામે સંસ્થાને ઉચ્ચતમ વેતનમાં 147 ટકાની વૃદ્ધિ સાથે પ્લેસમેન્ટ સેશન પૂરું કર્યું છે.

સરેરાશ વેતન વર્ષે રૂ. 16.64 લાખ છે અને એમબીએ બેચ 2021-23 માટે સરેરાશ વેતન વર્ષે રૂ. 16 લાખ છે. જોકે, મહિલા વિદ્યાર્થીઓ માટે સરેરાશ વેતન વાર્ષિક રૂ. 18.25 લાખ છે. બેચના ટોપ 10 વિદ્યાર્થીઓ માટે સરેરાશ વેતન વર્ષે રૂ. 31.69 લાખ છે. નોકરીઓ પૂરી પાડનાર અગ્રણી કંપનીઓમાં માઈક્રોસોફ્ટ, વેદાંતા, તોલારામ, અમૂલ, અદાણી, અર્નેસ્ટ એન્ડ યંગ, એક્સેન્ચર, કોગ્નિઝન્ટ, ડેલોઈટ અને એમેઝોન વગેરેનો સમાવેશ થાય છે.