રાજીનામું માગવું હોય તો પહેલાં PMનું માગોઃ મમતા બેનરજી

કોલકાતાઃ ભાજપના બંગાળ બંધ પર CM મમતા બેનરજીએ PM મોદી સહિત ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. રાજીનામું માગવું હોય તો પહેલાં PM મોદીનું માગો. ED, CBI બધી ઠગવાની એજન્સીઓ છે. આ એજન્સીઓ લોકો પર અત્યાચાર કરી રહી છે, એમ તેમણે કહ્યું હતું. ગઈ કાલે જે રસ્તા પર ઊતર્યા હતા, એ બધા બહારના છે. તેમનું બંધ બંગાળની છબિને ધુમિલ કરવાની અને RG કર હોસ્પિટલ બળાત્કાર-હત્યા મામલાની તપાસને અવરોધવા માટે આપવામાં આવ્યું હતું, એમ તેમણે કહ્યું હતું. રાજ્યમાં આગામી સપ્તાહે વિધાનસભાનું સત્ર બોલાવવામાં આવશે અને બળાત્કારીઓ માટે મૃત્યુદંડ આપવા માટે 10 દિવસની અંદર એક વિધેયક પસાર કરવામાં આવશે. અમે એ વિધયકને રાજ્યપાલની પાસે મોકલીશું. જો એ પસાર નહીં કરે તો અમે રાજભવનની બહાર ધરણાં કરીશું. એ વિધેયક પસાર થવું જ જોઈએ અને આ વખતે જવાબદારીમાં છટકી નહીં શકાય. મહિલા ડોક્ટર બળાત્કાર-હત્યા માટે માત્ર એક જ સજા છે- ફાંસી લટકાવો, એમ તેમણે કહ્યું હતું.

અમે ન્યાય ઇચ્છીએ છીએ, ભાજપે બંધનું આહવાન કરે છે. તેઓ ન્યાય નથી ઇચ્છતા, તેઓ માત્ર બંગાળને બદનામ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. ભાજપ જેવી શરમજનક પાર્ટી આજસુધી નથી જોઈ. એમ તેમણે કહ્યું હતું.

CM મમતા બેનરજીએ પ્રદર્શન કરી રહેલા જુનિયર ડોક્ટર્સને અપીલ કરતાં કહ્યું હતું કે તેઓ કામ પર પરત ફરે. અમે લોકો તેમની વિરુદ્ધ કોઈ પગલાં નહીં ભરીએ. ભાજપ AI દ્વારા મોટા પાયે સાયબર ક્રાઇમમાં લિપ્ત છે, જેને કારણે સામાજિક અવ્યવસ્થા ફેલાઈ રહી છે. ભાજપનો ઉદ્દેશ બંગાળને બદનામ કરવાનો છે, એમ તેમણે કહ્યું હતું.