મશીન ચાલશે તો મજૂરોને જલદી બહાર કઢાશેઃ ગડકરી

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સુરંગમાં ફસાયેલા 41 લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન સતત નવમા દિવસે જારી છે. વડા પ્રધાન મોદીએ ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ સાથે ફોન પર વાતચીત કરીને સિલ્ક્યારા સુરંગમાં મજૂરો માટે ચાલી રહેલા રાહત બચાવ કાર્યોની માહિતી મેળવી હતી.

મુખ્ય મંત્રીએ તાજી સ્થિતિની માહિતી આપતાં જણાવ્યું હતું કે રાજ્ય અને કેન્દ્રીય એજન્સીઓ પરસ્પર સમન્વય અને તત્પરતાની સાથે રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. આ ટનલમાં ફસાયેલા શ્રમિકો સુરક્ષિત છે અને તેમને ઓક્સિજન, પૌષ્ટિક ભોજન અને પાણી પહોંચાડવામાં આવી રહ્યા છે.

 તેમણે કહ્યું હતું કે મેડિકલ ટીમ પણ ત્યાં તહેનાત કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન ત્રણ વાર મુખ્ય મંત્રી પાસે સ્થિતિનો તાગ મેળવી ચૂક્યા છે. PMOની ટીમ પણ ટનલના સ્થળની મુલાકાત લઈ ચૂકી છે.તેમણે કહ્યું હતું કે ફસાયેલા શ્રમિકો અને તેમના પરિવારજનોના મનોબળને મજબૂત કરવા માટે મનોચિકિત્સકોના માધ્યમથી કાઉન્સેલિંગની વ્યવસ્થા કરી રહ્યા છીએ.

રોડ પરિવહન અને હાઇવે પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે સિલક્યારા સુરંગમાં ફસાયેલા શ્રમિકોને બચાવવાના દરેક સંભવ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને તેમને ટૂંક સમયમાં બહાર કાઢવામાં સરકારની પ્રાથમિકતા છે. તેમણે કહ્યું હતું કે વિષમ હિમાલયની સ્થિતિને જોતાં બચાવ કાર્ય પડકારજનક છે. અહીં માટીનો સ્તર એકસમાન નથી અને મુલાયમ અને કઠણ બંને છે. જો ઓગર મશીન યોગ્ય રીતે કામ કરતી રહેશે તો આગામી બે-ત્રણ દિવસોમાં મજૂરો સુધી પહોંચી શકાશે, એમ તેમણે કહ્યું હતું.